ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે DGPની અધ્યક્ષતામાં મહત્વની વીડિયો કોન્ફરન્સ યોજાઈ
Live TV
-
અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા અને સોશિયલ મીડિયા પર સખત મોનિટરિંગ કરવા આદેશ... શાંતિ સમિતિની બેઠકો પર વિશેષ ભાર: કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની તમામ SP અને રેન્જ IG સાથે કરાઈ વિસ્તૃત સમીક્ષા...
આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજ્યભરમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તેમજ ચાલુ વરસાદી માહોલમાં પણ સુરક્ષા વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે આજે પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ શહેરના પોલીસ કમિશનરઓ, રેન્જ વડાઓ તેમજ જિલ્લાના પોલીસ વડાઓ ઓનલાઈન જોડાયા હતા.
રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે યોજાયેલી આ બેઠકમાં જી. એસ. મલિક દ્વારા સબંધિત પોલીસ અધિકારીઓને મહત્વની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, ભાવનગર, ખંભાત સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવા આદેશ આપવામાં આવ્યા છે. કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ટિયર ગેસ, લાઠી, હેલ્મેટ સહિતની જરૂરી સુરક્ષા સામગ્રી તૈયાર રાખવા પણ જણાવાયું છે.
સ્થાનિક સ્તરે શાંતિ સમિતિની બેઠકો શક્ય તેટલી વધુ યોજવા તેમજ રથયાત્રા અને રેલીના આયોજકો સાથે અગાઉથી જ બેઠક કરી લેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક મોનિટરિંગ રાખવા અને રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવા રાજ્યના પોલીસ વડાએ સૂચના આપી છે.
સુરક્ષા અને પારદર્શિતાના ભાગરૂપે ઓન-ડ્યુટી પોલીસ કર્મચારીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા નો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવા આદેશ અપાયા છે. રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોના હિસ્ટ્રીશીટરો સાથે અગાઉથી બેઠકો કરી કાયદાકીય પગલાં લેવા, જેથી રથયાત્રાના દિવસે કોઈ વિક્ષેપ ન પડે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં રથયાત્રાનો રૂટ વધુ લાંબો હોય ત્યાં અગાઉથી જ પોલીસ ફોર્સનું પ્રોપર ડી-બ્રિફિંગ કરી લેવા સૂચના અપાઈ છે.વરસાદી માહોલને ધ્યાને રાખીને રથયાત્રાના માર્ગ પર બિલ્ડીંગોની ઉપર નડતરરૂપ કે જોખમી વીજવાયરો ન હોય તેની ખાસ ચકાસણી કરવા સંબંધિત વિભાગો સાથે સંકલન સાધવા પણ જણાવાયું છે.
જી. એસ. મલિકે આ બેઠકમાં તમામ જિલ્લાના એસ.પી અને રેન્જ આઈ.જી.પી સાથે તેમની સ્થાનિક સ્તરની સુરક્ષા તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી અને જરૂરી સુધારા-વધારા સૂચવ્યા હતા.
આ ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સમાં પોલીસ ભવન ખાતેથી કાયદો અને વ્યવસ્થાના ડીજીપી, આઇજીપી, આઇબી આઇજીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તમામ શહેરોના પોલીસ કમિશનરઓ અને જિલ્લા પોલીસ વડાઓ ઓનલાઈન માધ્યમથી વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.
