ભરૂચ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કસ્તુરબા સેવાશ્રમમાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હૉલ તથા ઔષધ બાગનું લોકાર્પણ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષપદે નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ, મરોલી આશ્રમશાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હૉલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. આ અવસરે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'માં રાજ્યપાલે સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જો આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સારો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ મળશે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં તમામ પ્રકારના ખનીજતત્વો હોય છે.
રાજ્યપાલે ખેડૂત ભાઈઓની ગેરસમજ દૂર કરતાં જણાવ્યું હતું કે, વધુ રાસાયણિક ખાતર વાપરવાથી વધુ ઉત્પાદન મળે છે એવી માન્યતા હશે, પરંતુ હકીકતમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. આગામી સમયમાં સારા સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેતી અપનાવી ખર્ચ ઘટવા સાથે ઉત્પાદકતા વધે તે માટે દેશી ગાય આધારિત ખેતી કરવા માટે સૌ કટિબદ્ધ થઈએ તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જૂથો, એફપીઓ તથા મોડલ ફાર્મના 2 જેટલા સ્ટોલની રાજ્યપાલે પ્રત્યક્ષ મુલાકાત લઈ અને પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશેની જાણકારી મેળવી હતી.
