ભાવનગરના શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે CISF દ્વારા યોગ સત્ર યોજાયું
Live TV
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026 ની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF), એરપોર્ટ સેક્ટર ગ્રુપ (ASG) ભાવનગર દ્વારા આજે સવારે 6:30થી 7:30 વાગ્યા દરમિયાન તખ્તેશ્વર મહાદેવ મંદિર, ભાવનગર ખાતે એક વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ CISFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેશ સિંઘના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો. તેમના નિર્દેશન હેઠળ એરપોર્ટ સેક્ટર ગ્રુપ ભાવનગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગ અને જનજાગૃતિ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.કાર્યક્રમનું સંચાલન ભાવનગરના અનુભવી યોગ પ્રશિક્ષિકા ડૉ. રેખાબેન જે. ડોબારીયા (એમ.) દ્વારા કરવામાં આવ્યું હતું. પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણથી સભર તખ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ યોગ સત્રએ સહભાગીઓને શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ તેમજ આત્મિક સંતુલનનો વિશેષ અનુભવ કરાવ્યો હતો.
યોગ સત્ર દરમિયાન વિવિધ યોગાશન, પ્રાણાયામ, ધ્યાન અને શ્વાસ સંબંધિત અભ્યાસ કરાવવામાં આવ્યા હતા. સાથે જ યોગના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા સહભાગીઓને નિયમિત યોગાભ્યાસ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં CISFના જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગ પ્રત્યે ઊંડો રસ દાખવ્યો હતો. તમામ સહભાગીઓએ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને સંતુલિત જીવનશૈલી માટે નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેશ સિંધે જણાવ્યું હતું કે, યોગ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે તમામ કર્મચારીઓ અને નાગરિકોને યોગને પોતાની દૈનિક દિનચર્યામાં સામેલ કરવા આહ્વાન કર્યું હતું.આ આયોજન સ્વાસ્થ્ય જાગૃતિ, માનસિક સુદ્રઢતા અને સકારાત્મક જીવન મૂલ્યોને પ્રોત્સાહન આપવાની સાથે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવામાં સફળ રહ્યું હતું.
