મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય યોગ અને ધ્યાન શિબિર સંપન્ન
Live TV
-
મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય યોગ અને ધ્યાન શિબિર સંપન્ન: 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નાગરિકોએ લીધો આરોગ્યનો સંકલ્પ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના 25 વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મહેસાણાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મહેસાણા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત વિશાળ જનમેદનીને યોગાભ્યાસ કરાવ્યો હતો.
શિબિરમાં માર્ગદર્શન આપતા ચેરમેન શીશપાલજીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત અને નિરોગી જીવન માટે યોગ અને ધ્યાન અનિવાર્ય છે. તેમણે નાગરિકોને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામના વૈજ્ઞાનિક તથા શારીરિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના પ્રયાસોથી આજે યોગને વૈશ્વિક ફલક પર સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ દ્વારા જ 'વિકસિત ભારત'નું નિર્માણ થઈ શકે, તેથી સૌએ દૈનિક જીવનમાંથી ઓછામાં ઓછો એક કલાક યોગ માટે ફાળવવો જોઈએ.
મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગથી મનમાં શાંતિ, ઊર્જા અને ઉત્સાહનો સંચાર થાય છે. બીમારીના કારણે હોસ્પિટલ જવું પડે તે પહેલાં યોગના માધ્યમથી તંદુરસ્ત જીવન જીવવાનો સંદેશ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવો એ જ સાચી માનવ સેવા છે.
આ યોગ અને ધ્યાન શિબિરમાં મહેસાણાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં મેયર સોનલબેન ઓઝા, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપુત, અગ્રણી ગિરીશભાઈ રાજગોર, નટુજી ઠાકોર, સીતાબેન પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવોએ નાગરિકોની સાથે બેસીને યોગાભ્યાસ કર્યો હતો. સમગ્ર સ્ટેડિયમ યોગમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં શહેરીજનોએ આ શિબિરનો લાભ લઈ યોગને જીવનનો હિસ્સો બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
