માણકોલ ગામે સીવણ તેમજ બ્યુટીપાર્લર તાલીમ વર્ગની બહેનોનો દીક્ષાંત સમારોહ યોજાયો
Live TV
-
કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થા દ્વારા અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોની બહેનોને શિક્ષણ અને સ્વરોજગારી મળી રહે તે હેતુથી સાણંદ તાલુકાના માણકોલ ગામે નિ:શુલ્ક સીવણ તેમજ બ્યુટી પાર્લરના વર્ગો ચલાવાય છે. જેમાં તાલીમ આપનાર ગભરૂભાઈનું તેમજ તાલીમ પૂર્ણ કરનાર 44 બહેનોનું અભિવાદન અને પ્રમાણપત્ર વિતરણ કરવા સાથે દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. તાલીમ પૂરી કરનાર બહેનોને સીવણના મશીનો તેમજ બ્યુટી પાર્લરની કીટ અર્પણ કરવા સાથે નવા પ્રવેશ મેળવનાર બહેનોને આવકારવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ચાન્સેલર ડો. ઇલા નાયક, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. દીપુબા દેવડા તેમજ સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ વસંત કુંવરબાના પ્રતિનિધિ મયુર સિંહ, દિલીપ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ કે.વી. પરિવાર સમાજ સેવા સંસ્થા દ્વારા 158 કરતાં વધુ બહેનોને પગભર કરવા બદલ અભિનંદન આપવા સાથે સમાજ તથા રાષ્ટ્ર વિકાસમાં બહેનોનું કર્તવ્ય તેમજ પ્રદાનની ઉદાહરણ સહિત સમજ આપી તાલીમાર્થી બહેનોને પ્રોત્સાહિત કરી હતી. વધુમાં તેઓએ સરકાર દ્વારા ચાલતી સમાજ વિકાસ અને ઉત્થાનની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ જણાવ્યું હતું.
કે.વી.પરિવાર સમાજ સેવા સંસ્થાના કો-ઓર્ડીનેટર અને દીવાન બલ્લુભાઈ શાળાના ડાયરેક્ટર ડૉ .કિરીટ જોષીએ પરિવાર સુખી બનાવવા માટે પાંચ બાબતો ઘરની સ્વચ્છતા અને સુઘડતા, આરોગ્ય જાળવણી, વ્યસન મુક્તિ, બાળકોનું શિક્ષણ અને સ્વરોજગારી દ્વારા પરિવારને સહાય બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
