મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રીએ ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં આયોજિત 17મી ‘અર્બન મોબિલિટી ઈન્ડિયા કોન્ફરન્સ’ના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વિવિધ રાજ્યોના શહેરી વિકાસ મંત્રાલય અને વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, અર્બન ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી ક્ષેત્રે કાર્યરત તજજ્ઞો, સંસ્થાઓના પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં સહભાગી થયા છે.
મુખ્યમંત્રીએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પીએમના માર્ગદર્શનમાં દેશના રાજ્યોએ અર્બન મોબિલિટી સેક્ટરમાં અપનાવેલા વિકાસ મોડલ તથા અન્ય પહેલોના પરસ્પર વૈચારિક આદાન-પ્રદાન માટે આ કોન્ફરન્સ ઉપયોગી બનશે.
ભારત આજે પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, તેમાં પાછલાં 10 વર્ષોમાં થયેલા સામાજિક, આર્થિક, ઔદ્યોગિક વિકાસ સાથે શહેરીકરણનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતે તો પાછલાં 23 વર્ષથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં શહેરી વિકાસ અને શહેરી પરિવહન-અર્બન મોબિલિટીમાં અનેક નવા પરિમાણો મેળવ્યા છે, એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શહેરોમાં રોજે રોજ અવર-જવર માટે પોતાના વાહનોના ઉપયોગ કરતા લોકોનું સ્ટ્રેસ, સમય અને ઇંધણ બચાવવા નરેન્દ્ર મોદીએ જાહેર પરિવહન સેવામાં બી.આર.ટી.એસ.નો નવતર અભિગમ અમદાવાદમાં અપનાવ્યો તે ગેઈમ ચેન્જર બન્યો છે.
આજે રાજ્યના અન્ય મહાનગરોમાં બી.આર.ટી.એસ. ઝડપી અને સલામત પરિવહનનું માધ્યમ બની છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ મેટ્રો સેવા પણ સલામત, સરળ યાતાયાત માટે લાખો લોકોની લાઈફલાઈન બની છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતે આ લક્ષ્ય સિદ્ધ કરવામાં ક્લીન એન્ડ ગ્રીન અર્બન મોબિલિટી માટે અનેક કદમ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અન્વયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રિક અને સી.એન.જી. બસનો ઉપયોગ વ્યાપક બનાવ્યો છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, હવે દેશમાં પણ પી.એમ. ઈ-બસ સેવા પી.પી.પી. મોડેલ પર શરૂ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બન મોબિલિટીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ફ્યુચરની નેમ રાખી છે.
મુખ્યમંત્રીએ વિકસિત ભારત @ 2047નો પ્રધાનમંત્રીનો સંકલ્પ ગ્રીન-ક્લીન, સેઈફ અર્બન મોબિલિટીથી સૌ સાથે મળીને પાર પાડશે તેવો વિશ્વાસ પણ આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા દર્શાવ્યો હતો.
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ જયદીપ, ગુજરાત મેટ્રોના મેનેજીંગ ડાયરેકટર એસ. એસ. રાઠોર સહિત મ્યુનિસિપલ કમિશનરો, શહેરી વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ, દેશના રાજ્યોમાંથી આવેલા ડેલીગેટ્સ અને વિવિધ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
