મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડામાં 76માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડામાં 76માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી, 'ગળતેશ્વર વન'નું લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા સરનાલ ગામ ખાતે રાજ્યકક્ષાના 76મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે, 30 ઓગસ્ટ,2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્યક્રમ યોજાશે, જેમાં વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
ગળતેશ્વર વન: ખેડાને સાંસ્કૃતિક ભેટ
ખેડા જિલ્લાને વન વિભાગ દ્વારા 24મા સાંસ્કૃતિક વન 'ગળતેશ્વર વન'ની અનોખી ભેટ મળવા જઈ રહી છે. ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પાંચ હેક્ટર વિસ્તારમાં નિર્માણ પામેલા આ વનનું સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. મહીસાગર નદીના કિનારે તૈયાર થયેલું આ વન 300થી વધુ પ્રજાતિના વૃક્ષોના વાવેતરથી આ કોતર વિસ્તારની જૈવ-વિવિધતાને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ લાભો અને પ્રશસ્તિપત્રો પણ એનાયત કરવામાં આવશે.
ગળતેશ્વર વનના મુખ્ય આકર્ષણો
આ વન પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે. તેના મુખ્ય આકર્ષણોમાં આકર્ષક પ્રવેશદ્વાર, બિલિપત્ર વન, શિવલિંગ વન, ગઝેબો, બટરફ્લાય ગાર્ડન, બાળ ક્રિડાંગણ અને માતૃવનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં ચરોતર સંકુલ, વોચ ટાવર, નંદી વન, બામ્બુ મિસ્ટ ટનલ, મેઝ ગાર્ડન, ચેકડેમ, સારસ પંખી સ્કલ્પચર, આરોગ્ય વન અને ચરક વન-પ્રતિમા પણ તૈયાર કરવામાં આવ્યા છે.
અહીં પંચવટી વન, નક્ષત્ર વન, રાશિ વન અને નવગ્રહ વન જેવી ધાર્મિક અને પૌરાણિક થીમ આધારિત રચનાઓ પણ છે, જે પ્રવાસીઓને પર્યાવરણ અને સંસ્કૃતિના સુભગ સમન્વયનો અનુભવ કરાવશે.
ગળતેશ્વરનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું ગળતેશ્વર એક પ્રખ્યાત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. ગળતી અને મહીસાગર નદીના સંગમ સ્થાને આવેલું આ મંદિર રાષ્ટ્રીય સ્મારક પણ જાહેર થયેલું છે. દર વર્ષે અહીં 25લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને પર્યટકો મુલાકાત લે છે, અને શિવરાત્રિના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. આ નવા વનના નિર્માણથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.
વન મહોત્સવનો ઇતિહાસ
ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત લગભગ 76 વર્ષ પહેલાં તત્કાલીન કૃષિ મંત્રી કનૈયાલાલ મુનશીએ આણંદ ખાતે કરી હતી. વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગાંધીનગરમાં પ્રથમ સાંસ્કૃતિક વન 'પુનિત વન'નું નિર્માણ થયું. ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યમાં 23 સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે, જે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળો તરીકે પણ વિકસી રહ્યા છે. આ વર્ષે આ હારમાળામાં 'ગળતેશ્વર વન'નો ઉમેરો થશે.
