મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ખેતી બેંક દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ એગ્રીકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. - ખેતી બેંક દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતુ કે, સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે.
એમાં પણ ગુજરાતની સહકારી બેંકોએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યુ છે. ખેતી બેંક પણ રાજ્યના ખેડૂતો માટે વિશ્વાસનું પ્રતીક બની છે. મુખ્યમંત્રીએ ખેતી બેંકને છેલ્લા ત્રણ વર્ષથી ઝીરો ટકા એન.પી.એ. માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બેંક દ્વારા ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળે તે હેતુથી લોનનાં નિયમોમાં સરળતા લાવવા બેંકે નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકરણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થાની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળથી અગ્રેસર રહ્યું હતુ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત સહકારિતાની ચળવળમાં પણ અગ્રેસર બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગુજરાતમાં આવેલી સહકારી ક્રાન્તિને ભારતભરમાં વ્યાપક બનાવવા મોદી સાહેબના દિશાદર્શનમાં આઝાદી પછી પહેલીવાર અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે. તેમજ સહકાર ક્ષેત્રેને આગવું વિઝન આપવા અને લોકોને સહકાર સાથે જોડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર આપ્યો હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદી સાહેબે તેમના શાસન સેવાકાળમાં સહકારી પ્રવૃત્તિની સાથે ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો, મહિલાઓને સક્રિયતાથી જોડવાનું આંદોલન ઉપાડ્યું છે. અમિતભાઈના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી ક્ષેત્રમાં એક મજબૂત સંકલન કરીને ચાર વર્ષના ટૂંકા ગાળામાં દેશની તમામ ગ્રામ પંચાયતોને સહકાર ક્ષેત્ર સાથે જોડવાનું કામ થયું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં 2 લાખ પેક્સના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઊર્જા, નવી રોજગારીનાં સર્જનનું અભિયાન શરૂ થયું છે. સહકારી બેંકોના ઓપરેશનમાં પણ ખૂબ મોટા ફેરાફારો આવ્યા છે અને તેના પરિણામે સહકારી બેંકોની વિશ્વસનીયતા વધી છે.
મુખ્યમંત્રીએ ખેતી બેંકને તમામ શાખા અને કચેરીઓ ડિજીટલાઈઝ્ડ કરવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યુ હતુ કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડીજીટાઇઝેશન વધ્યું છે, તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે.આ પ્રસંગે ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણયો માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ સહકારી સંસ્થાઓનું કામ માત્ર સભાસદો પાસેથી નફો મેળવવાનું નહીં, પણ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરવાનું પણ છે. જેના ભાગરૂપે ઓછા સમયગાળામાં બચત ખાતાઓ ખોલવાના પ્રયાસો આધુનિક ટેકનોલોજી દ્વારા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી મંત્રાલયે ખૂબ જ પ્રગતિ કરી છે અને સહકારી તંત્રને ચેતનવંતુ રાખવા બદલ તેમણે મુખ્યમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ સેટલમેન્ટ યોજના, સરલ યોજના થકી ગુજરાતના ખેડૂતોને 102 કરોડ મંજૂર કરાવી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમણે ઉમેર્યું હતું કે, જોર્ડન, પેલેસ્ટાઇન, ઈન્ડોનેશિયા અને શ્રીલંકા દ્વારા ખેતી બેંકની મુલાકાત લઇ તેને સરાહનામાં કરાઈ છે જે આપણા સૌ માટે ગર્વની વાત છે.અવસાન પામેલ સભાસદના વારસદારને અકસ્માત વિમા સહાયના ચેકનું વિતરણ, લોન તેમજ રિકવરી અને નવા સેવિંગ ખાતા ખોલવામાં શ્રેષ્ઠતા દાખવનારા જિલ્લા સ્તરના મેનેજરો તથા જિલ્લા ડિરેકટર્સનું આ અવસરે મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર નિરમાબેન ઠાકોરને ખેતીબેંક દ્વારા મોસ્કો (રશિયા) મેરેથોનમાં ભાગ લેવા જવા માટે શુભેચ્છાઓ પાઠવી મુખ્યમંત્રીના હસ્તે એર ટિકિટ, તિરંગો તથા સ્પોર્ટ્સ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સહકાર સેલના કન્વીનર બીપીનભાઈ, બેંકના વાઇસ ચેરમેન જીવણભાઈ આહીર, ગાંધીનગર શહેર પ્રમુખ આશિષ દવે સહિત વિવિધ જિલ્લામાંથી ખેતી બેંકના અગ્રણીઓ અને સભાસદ ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
