મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાયન્સસિટી ખાતે 3,338 કરોડનાં કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં અમદાવાદના સાયન્સસિટી ખાતેથી જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશમાં વિકાસની દૃષ્ટિએ અગ્રેસર રાજ્ય પુરવાર થયું છે. આજે વિકાસ એટલે ગુજરાત અને ગુજરાત એટલે વિકાસ એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. વિકાસના આ મજબૂત પાયાને પગલે ગુજરાત આજે દેશમાં આગવી ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યું છે, એમ તેમને ઉમેર્યું હતું. વિશ્વાસથી વિકાસ યાત્રાના બીજા ચરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ આજે 3,338 કરોડનાં 16,359 વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ વિકાસમાં અગ્રેસર ગુજરાત હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષની ગુજરાતની વિકાસયાત્રા બેનમૂન રહી છે, તેના મૂળમાં પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો અપાર વિશ્વાસ છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી દિશાઓ હાંસલ કરી શક્યું છે. અને એ જ પથ પર આપણે આગળ વધી રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં વિકાસકામોને પગલે ઊભી થયેલી જનસુવિધાઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શહેરોના જેવી જ સુવિધાઓ ગામડાંઓમાં પણ હોય તે રાજય સરકારનો અભિગમ રહ્યો છે. એના પરિણામલક્ષી અમલને પગલે આજે શહેરો જેવી જ સુવિધાઓ ગામડાંઓ સુધી વિસ્તરી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, હાલ ડિફેન્સ એક્સપોનું પ્રદર્શન યોજાયું છે. ગુજરાત પણ ડિફેન્સના ક્ષેત્રમાં દેશ સાથે કદમથી કદમ મિલાવી રહ્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં 5જી ટેક્નોલોજી લોન્ચ કરી છે. ગુજરાત પણ અદ્યતનમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં વિકાસકામો અને જનસુવિધા ઊભી કરતાં લોકકલ્યાણનાં કામોમાં પણ અદ્યતન ટેક્નોલોજીનો સુપેરે ઉપયોગ રાજ્યમાં થઈ રહ્યો છે. જેના પરિણામે આજે આર્મી ટેન્કનું ઉત્પાદન દહેજમાં થઈ રહ્યું છે, ત્યારે હવે દિવસો દૂર નથી કે રાજકોટમાં એરોપ્લેનના પાર્ટ્સ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ દેશના સૌથી મોટા શિક્ષણ અભિયાન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોન્ચિંગ વડાપ્રધાનશ્રીના હસ્તે ગુજરાતથી કરવામાં આવ્યું છે.
