મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ‘ટાઈપ-1 ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમ’નો કરાવ્યો પ્રારંભ
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતા બાળકો માટે એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ કરી છે. ગાંધીનગરથી આ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ નેમ વ્યક્ત કરી હતી કે, રાજ્યનું એક પણ બાળક યોગ્ય સારવાર અને સુવિધાથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
આ અભિયાન હેઠળ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રોગથી પીડાતા બાળકોના પરિવારો પર આર્થિક બોજ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન, ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર કીટ પૂરી પાડવામાં આવશે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા દેશના સામાન્ય માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સુરક્ષા પૂરી પાડી છે. "યોગથી આયુષ્માન" ની સંકલ્પનાને દોહરાવતા તેમણે કહ્યું કે, લોકો નિરોગી રહે તે માટે યોગ અને શારીરિક શ્રમને મહત્વ આપવું અનિવાર્ય છે.
રાજ્ય સરકારે બાળકોના સ્વાસ્થ્ય માટે ત્રણ મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે અંદાજે 1 કરોડથી વધુ બાળકોની તપાસ કરવામાં આવે છે. ગંભીર બીમારીઓ જેવી કે કિડની, હૃદય રોગ, કેન્સર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 11 વર્ષોમાં અંદાજે 2.18 લાખથી વધુ બાળકોને આવી સારવારનો લાભ મળ્યો છે.વધતી જતી મેદસ્વિતા અને ડાયાબિટીસના જોખમ સામે સાવચેત કરતા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે, લોકો ભોજનમાં તેલનો વપરાશ ઘટાડે અને નિયમિત વ્યાયામને જીવનનો હિસ્સો બનાવે. તેમણે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને સાકાર કરવા તંદુરસ્ત સમાજના નિર્માણ પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તબીબો અને મોટી સંખ્યામાં લાભાર્થી બાળકો તેમજ તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
