મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા
Live TV
-
પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે ઉજવાઇ રહેલા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે વડતાલના આંગણે મંગળ ઉત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો વારસો વર્તમાન સમયના આધુનિક આયામો સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તે પ્રધાનમંત્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના ધ્યેયને સાકાર કરે છે.
સૌ હરિભક્તોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચરોતરની આ પાવન ભૂમિ પર 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ આટલો ભવ્ય છે, જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિ પર શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપના કરી હશે તે સમય કેટલો દિવ્ય હશે , તેની આપણને અનુભૂતિ થાય છે. આ ઉત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત માટે સંકલ્પબદ્ધ થવાની પ્રેરણા પૂરી પાડે છે.
નવું વર્ષ એટલે નવા સંકલ્પોનો અવસર એમ કહી મુખ્યમંત્રીએ વિક્રમ સંવત 2081નું નવું વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તો માટે ઉમંગનો મહોત્સવ લઈને આવ્યું છે, તેમ જણાવ્યું હતું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો એક નવો સંકલ્પ આ પાવન ભૂમિ પરથી લેવા માટે તેમણે સૌ હરિભક્તોને આહ્વાન કર્યું હતું.
આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવાની તક મળી તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને અનુસરવા હરિભક્તોને અનુરોધ કર્યો હતો. કર્તવ્યનિષ્ઠાથી આપણે આપણા કાર્ય અને ફરજને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, ધર્મ સેવાનો લાભ મળે એ જ કેન્દ્રમાં હોવું જોઈએ.
રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજ કલ્યાણની તમન્ના સાથે હરિભક્તો વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે વૈશ્વિક સ્પર્ધામાં છીએ, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકાસ યાત્રામાં સતત યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.