મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરાઈ
Live TV
-
જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા આપણા રાજ્યની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ અને લોક કળાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના લોકડાયરા, માહિતી પ્રદર્શન અને વિવિધ ખાસ લેખના પ્રચાર પ્રસારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેનાથી નાગરિકો સુધી આપણી મહાન સંસ્કૃતિનો મહત્તમ રીતે પ્રચાર પ્રસાર થઈ શકે.
મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરાના માર્ગદર્શન મુજબ દિવાળી અને નુતન વર્ષના પવન પર્વ પર ગુજરાતની અસ્મિતા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતી ભાતીગળ લીંપણ આર્ટ રજૂ કરવામાં આવી હતી. આ લીંપણ આર્ટમાં આભલા, સતારા, ગોબર અને વિવિધ ઓઈલ કલરનો ઉપયોગ કરીને તેને રંગોળીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે.
સદીઓ જૂની આપણી આ લોકકલા એ સૌરાષ્ટ્ર પંથકની વિશેષ ઓળખ છે. ખાસ કરીને તે કચ્છ તરફના ગામડામાં વધુ પ્રચલિત છે. આ વિસ્તારોમાં ઘરે ઘરે લોકો લીંપણ કળા, ભરત ગૂંથણ, ભીંતચિત્રો, વાંસકામ અને ભાતીગળ ચિત્રો બનાવવામાં માહેર હોય છે. આ કલાના સુંદર પ્રદર્શન થકી મોરબી જિલ્લા માહિતી કચેરીએ તેના મહત્તમ પ્રચાર પ્રસારની એક અનોખી પહેલ કરી છે. ખાસ કરીને ગણપતિ, રાસ ગરબા, મહાદેવ, પાર્વતી, શુભ લાભ અને વિવિધ પ્રકારના ધાર્મિક ચિહ્નોની કોતરણી કરવામાં આવે છે.
