Skip to main content
Settings Settings for Dark

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન, અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર

Live TV

X
  • અરવલ્લીની પર્વતમાળાઓમાં સદીઓથી બિરાજમાન, કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર, અંબાજી માતા મંદિર –એક એવું યાત્રાધામ જે માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતું છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તોની મેદની ઉમટે છે, અને લગભગ આખું વર્ષ પણ અહીં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. આજે, આ પાવન ભૂમિ એક નવા યુગના ઉંબરે ઊભી છે, જ્યાં વિકાસ અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અંબાજીના વિકાસ માટે અનેક બીજ રોપ્યા હતા. તેમના "વિકાસ ભી, વિરાસત ભી" ના મંત્રને આત્મસાત કરીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને 'મોડેલ ટેમ્પલ ટાઉન'નું બેન્ચમાર્ક બનાવવા માટે એક ભવ્ય વિઝન તૈયાર કર્યું છે. આ વિઝનને સાકાર કરવા માટે, 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે, જેના અમલીકરણ પર મુખ્યમંત્રી પોતે સીધી દેખરેખ રાખી રહ્યા છે. તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી હતી, જે દર્શાવે છે કે સરકાર કેટલી ગંભીરતાથી આ પ્રોજેક્ટને લઈ રહી છે.

    50 વર્ષનું વિઝન: ભવ્ય "શક્તિ કોરિડોર" અને આધુનિક સુવિધાઓ
    બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા આ પવિત્ર સ્થાનને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જે બે તબક્કામાં લાગુ પડશે. પ્રથમ તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે, જેમાં લગભગ 950 કરોડનો ખર્ચ થશે. આ યોજનાનું હૃદય ગબ્બર પર્વત છે, જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું મનાય છે, અને અંબાજી માતાનું મંદિર, જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે. સૌથી મોટું આકર્ષણ હશે 'શક્તિ કોરિડોર' -એક ભવ્ય અને દિવ્ય માર્ગ જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડશે. આ કોરિડોર દ્વારા એક વિશાળ શક્તિ ચોક ગબ્બર દર્શન ચોક સાથે જોડાશે. શ્રદ્ધાળુઓની યાત્રાને વધુ આધ્યાત્મિક અને સુગમ બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી ગબ્બર પરની જ્યોત અને અંબાજી મંદિર વચ્ચેનું જોડાણ સરળ બને.

    યાત્રાધામ પરિસરનો વ્યાપક પુનર્વિકાસ
    ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા આ કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાનમાં પર્યાવરણીય જવાબદારીને પણ પ્રાધાન્ય અપાયું છે. આ યોજના હાલની સુવિધાઓને પુનર્વિકસિત કરશે અને યાત્રાળુઓના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે.

    પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ મુખ્ય વિકાસ કાર્યો:

    • અંબાજી મંદિર વિસ્તારનું વિસ્તરણ, જેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓનો સમાવેશ થશે.
    • મંદિર તરફ અંડરપાસ અને આગમન માટે અંબાજી ચોકનો વિકાસ.
    • પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ.
    • યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથનું નિર્માણ.
    • સતી ઘાટ વિસ્તાર વિકાસ અને ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ.

    બીજા તબક્કામાં (અંદાજે 682 કરોડના ખર્ચે) સમાવિષ્ટ કાર્યો:

    • ગબ્બર મંદિર અને પરિસર વિકાસ.
    • અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ.
    • સતી સરોવર વિકાસ કાર્યો.

    ચાચર ચોકનું વિસ્તરણ અને નવા આકર્ષણો
    માસ્ટર પ્લાન યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓમાં વધારો કરશે. ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરવામાં આવશે, જેથી મેળાઓ અને ગરબા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ થાય. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડનું સંકલન પણ આ યોજના હેઠળ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply