રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે સફાઈકર્મી ગલાલબેન મકવાણાના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન
Live TV
-
લોકમેળાની આવકમાંથી 20 વર્ષમાં રૂ.5.66 કરોડથી વધુ રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરાઈ: કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત 'વિરાસતથી વિકાસ લોકમેળા -2026'નું બુધવારે મહાનગરપાલિકાના સફાઈકર્મી ગલાલબેન મકવાણાના હસ્તે, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને ડો. મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાજકોટનો લોકમેળો એ માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ, પરંપરાનું ગૌરવ તેમજ એકતા તથા ભાઈચારાનો ઉત્સવ છે. અહીંની લોકકળા, લોકસંગીત, રાસ-ગરબા, હસ્તકળા અને પરંપરાગત રમતોમાં આપણી માટીની સુગંધ વણાયેલી છે, જ્યાં જૂની પરંપરાઓ અને નવી પેઢીનો સુંદર સંગમ જોવા મળે છે.
તેમણે ભગવાન કૃષ્ણના જીવનસંદેશનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, કૃષ્ણનું સમગ્ર જીવન ધર્મ, સત્ય, કર્તવ્ય અને કર્મયોગનો સંદેશ આપે છે. મુશ્કેલી ગમે તેટલી મોટી હોય પરંતુ કર્તવ્યના માર્ગ પરથી ક્યારેય ડગવું જોઈએ નહીં. તેમણે રાજકોટને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી. ધારાસભ્યએ લોકમેળાના આયોજન બદલ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, સફાઈ કર્મચારીઓ, સ્વયંસેવકો અને આયોજકોની મહેનતને બિરદાવી હતી. તેમણે લોકમેળાને સ્થાનિક વેપારીઓ અને કારીગરો માટે રોજગારીનું મહત્ત્વનું સાધન ગણાવી 'વોકલ ફોર લોકલ’ની ભાવનાને મજબૂત બનાવવા સાથેસાથે સ્વચ્છતા જાળવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને બાળકો તથા વડીલોનું ખાસ ધ્યાન રાખવા મેળાના મુલાકાતીઓને અપીલ કરી હતી.
લોકમેળાના ઉદઘાટન પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનથી મેળાનું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના સફાઈકર્મી બહેન દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળામાં લોકોની સુખાકારી તેમજ સલામતી માટે પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા માટે મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ભીડ વ્યવસ્થા તથા સર્વેલન્સ માટે રિયલ ટાઈમ એ.આઈ. બેઝ્ડ ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોન સહિતની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળાની મુલાકાતે આવતા નાગરિકોની સલામતી અંગે લેવાયેલા પગલાં વિશે વિગતવાર માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, મેળામાં આ વર્ષે ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર, બે નવા ડિઝાસ્ટર રૂટ, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 150 ફાયર જવાનો તૈનાત રહેશે અને રૂ. 10 કરોડનો લાયેબિલિટી ઈન્સ્યોરન્સ પણ લેવાયો છે. સ્વચ્છતા જાળવવા 290 સફાઈ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક કામ કરશે તેમજ મેળો પૂર્ણ થયા બાદ પણ તા. 7 થી 13 સપ્ટેમ્બર દરમિયાન 120 કર્મચારીઓ સમગ્ર ગ્રાઉન્ડની સઘન સફાઈ કરશે. આ સાથે જ કલેક્ટરે મેળાની મુલાકાતે આવતા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને ડિઝાસ્ટર રૂટ પર સાવધાની રાખવા અનુરોધ કર્યો હતો. લોકમેળાની આવકમાંથી 25 ટકા રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં આપવામાં આવે છે, જે અંતર્ગત છેલ્લા 20 વર્ષમાં અંદાજે રૂ.5.66 કરોડથી વધુની રકમ રાહતફંડમાં જમા કરાવવામાં આવી છે. કલેક્ટરે લોકમેળાનો ઉત્સાહભેર આનંદ માણવા નાગરિકોને નિમંત્રણ પાઠવ્યું હતું.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત લોકમેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ વર્ષે લોકમેળાનું નામ 'વિરાસતથી વિકાસ-2026' સૂચવનારા અજયભાઈ રતિભાઈ કુકડીયાને પ્રશસ્તિ પત્ર આપીને તેમનું સન્માન કરાયું હતું. નિવાસી અધિક કલેક્ટર જે. એચ. બારોટે શાબ્દિક સ્વાગત કરતા આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નેવી બેન્ડ પર્ફોમન્સ હતું, જેના કારણે સમગ્ર માહોલમાં દેશભક્તિનો નાદ ગુંજ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, ઇન્ડિયન નેવી કેપ્ટન શ્રીજીત નાયર, ડી.સી.પી. જગદીશ બાંગરવા અને રાકેશ દેસાઈ, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

