રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમરેલીના કૃષ્ણગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ પર પરિસંવાદ યોજ્યો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના મિશન મોડના પ્રયાસોના ભાગરૂપે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામે બે દિવસીય મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું.
રાજ્યપાલએ ગ્રામજનોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરો જમીનને બિનઉપજાઉ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત અને અળસિયા જમીનની ફળદ્રુપતા અને પાણી શોષવાની ક્ષમતા વધારે છે. તેમણે ચેતવણી આપી કે રાસાયણિક ખાતરયુક્ત ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી આગામી પેઢીને શુદ્ધ ખોરાક, હવા અને પાણી આપવા માટે જરૂરી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યોગ્ય પદ્ધતિ અપનાવવાથી પ્રાકૃતિક ખેતીમાં પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું ઉત્પાદન મળી શકે છે.આ કાર્યક્રમમાં વતનપ્રેમી ડૉ. સંજય મુજપરા પરિવારના ₹25 કરોડના અનુદાનથી વિકસિત થનારી આંતરમાળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ સુવિધાઓમાં ગટર-ડ્રેનેજ, પીવાના પાણીની લાઇન, આર.સી.સી. રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, આધુનિક પ્રાથમિક શાળા ભવન, સામાજિક કાર્યક્રમો માટેનું બિલ્ડીંગ, સી.સી.ટી.વી કેમેરા અને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્રનો સમાવેશ થાય છે.રાજ્યપાલએ ડૉ. સંજય મુજપરા અને તેમના પરિવારના આ વતનપ્રેમને બિરદાવ્યો હતો.
