રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 'મહર્ષિ દયાનંદ સરસ્વતી' વિશેના અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ કરાવ્યો
Live TV
-
સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વભાષા, સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવનધરાએ સમય-સમયે અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે, જેઓ ઈશ્વરની ભેટ છે. આ મહાપુરુષો સમગ્ર સમાજને નવી દિશા આપે છે. અન્ય વ્યક્તિઓના દુઃખને પોતાના દુઃખ માની સમાજની પ્રગતિ માટે કાર્યો કરનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના ટંકારામાં થયો હતો. તેમણે સ્વભાષા, સ્વદેશી અને નારી ઉત્થાનના ક્ષેત્રમાં અનન્ય યોગદાન આપ્યું છે. તે સમયે બહેનો-દીકરીઓ માટે અનેક કુપ્રથાઓ હતી. તેવા સમયે સ્વામી દયાનંદ સરસ્વતીએ "યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:"ની દિશામાં નવતર કાર્યો કર્યા હતા. વૈદિક ધર્મના પુનરુત્થાન અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે તેમણે વર્ષ 1875માં આર્યસમાજની સ્થાપના કરી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પરિવર્તનકારી અભિગમ અપનાવ્યો હતો અને નાના-મોટા 40 જેટલા ગ્રંથોની રચના કરી હતી.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદએ આપણને ભારતીય પ્રાચીન સંસ્કૃતિને નવીનતા સાથે જોડીને પ્રગતિવાદી વિચારો આપ્યા હતા. તેમણે ઋષિઓ પાસેથી પ્રાપ્ત થયેલી વૈદિક સંસ્કૃતિને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ગાંધીજીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા, ગોખલેના ગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા હતા અને શ્યામજીકૃષ્ણ વર્માના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતી હતા. આઝાદીના લડવૈયાઓ દયાનંદના વિચારોથી પ્રભાવિત હતા. શ્યામજીકૃષ્ણ વર્માની ભારતમાં અસ્થિ વિસર્જન કરવાની અંતિમ ઈચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન પૂર્ણ થઈ હતી, જે માટે પ્રધાનમંત્રીને ધન્યવાદ પાઠવું છું.
રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતું કે, અહીં બે દિવસીય પરિસંવાદમાં મહર્ષિ દયાનંદના જીવનમૂલ્યોનું ચિંતન-મંથન થશે. મહર્ષિની જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે. ત્યારે યુવાનોએ તેમના જીવન ઉપર સંશોધન કાર્ય કરવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્રની આવશ્યક પ્રક્રિયાઓ માટે ગુજરાત સરકાર સહયોગ આપશે. આ વેળાએ રાજ્યપાલએ મહર્ષિ દયાનંદ અને શ્યામજીકૃષ્ણ વર્માના જીવન પ્રસંગોનો ઉલ્લેખ કરીને તેમના વિશે સંશોધન કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલએ સંસ્થા દ્વારા આયોજિત યજ્ઞમાં આહુતિ આપી વિશ્વ કલ્યાણની કામના કરી હતી.
કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશીએ શાબ્દિક સ્વાગતમાં દયાનંદ સરસ્વતીના વિચારોને જીવંત રાખવાના હેતુસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. કાર્યકારી કુલસચિવ ડૉ. મહેશ ધામેચાએ આભારવિધિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય સમારોહ દરમિયાન ઉદ્ઘાટન સત્ર સિવાય કુલ ૧૨ શૈક્ષણિક સત્રો યોજાશે, જેમાં વિદ્વત્સપર્યા, ગુરુકુલ વિમર્શ, નારી વિમર્શ, વેદાર્થ વિમર્શ, વૈદિક દેવતા વિમર્શ, શૈક્ષણિક ચિંતન, સામાજિક સમરસતા વિમર્શ, રાષ્ટ્રભૂત ચિંતન, યુવા વિમર્શ, ત્રિસ્તરીય શોધપત્ર સ્પર્ધા તેમજ સમારોહ સત્રનો સમાવેશ થાય છે. જેમાં વિવિધ વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવશે.
