રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની લીધી મુલાકાત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઘોઘા તાલુકાના કરેડા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ખેતરમાં જાતે હળ ચલાવ્યું હતું, જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત, તેમણે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ફાર્મ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું.
'પ્રાકૃતિક ખેતી એ ધરતી અને માનવ આરોગ્યના રક્ષણનો ટકાઉ માર્ગ'
ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી જમીનની ફળદ્રુપતા, ભૂગર્ભ જળ અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ઝેરી અવશેષોવાળો ખોરાક માનવ સ્વાસ્થ્ય બગાડી રહ્યો છે. તેના વિકલ્પ તરીકે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ટકાઉ માર્ગ છે.
તેમણે પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, બહુવિધ પાક પદ્ધતિ. તેમણે કહ્યું કે, "હું પોતે વર્ષોથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરું છું. આ પદ્ધતિથી ઉત્તમ ઉત્પાદન તો મળે જ છે, સાથે જમીનની ઉપજાવ ક્ષમતામાં પણ સતત વધારો થાય છે."
ખેડૂતો અને તંત્રને રાજ્યપાલની અપીલ
તેમણે કહ્યું કે, શરૂઆતમાં જમીનના એક નાના ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરો. ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે પ્રેરણાદાયી મોડલ ફાર્મની મુલાકાત લો અને પદ્ધતિઓને સમજો.
અધિકારીઓને સૂચના:
કૃષિ વિભાગ અને 'આત્મા' (ATMA) વિભાગ ગામેગામ જાગૃતિ અને તાલીમ અભિયાન ચલાવીને વધુને વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડે.
આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ પ્રેરણાદાયી મુલાકાત પ્રસંગે જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે. એન. પરમાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક પ્રાકૃતિક કૃષિકારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
