Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસનગરના સદુથલા ખાતે રાત્રિ સભામાં ગ્રામજનો સાથે સાધ્યો લોકસંવાદ

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસનગરના સદુથલા ખાતે રાત્રિ સભામાં ગ્રામજનો સાથે સાધ્યો લોકસંવાદ

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના સદુથલા ગામની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સદુથલા સ્થિત ઉમેદપૂરી વાડી ખાતે ગ્રામજનો સાથે એક વિશેષ રાત્રિ સભા યોજીને આત્મીય લોકસંવાદ સાધ્યો હતો. પોતાની સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલશ્રીએ આ પ્રવાસ દરમિયાન સદુથલા પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં જ રાત્રિ મુકામ કર્યો હતો.

    પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર

    ગ્રામીણ ઉત્થાન અને કૃષિ વિષયક બાબતો પર સવિસ્તાર ચર્ચા કરતા રાજ્યપાલશ્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની પેઢી અને આવનારા ભવિષ્યને બચાવવા માટે આપણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. જો ગામડાઓ પ્રાકૃતિક ખેતી અપનાવતા થશે, તો આખું રાષ્ટ્ર આપોઆપ તંદુરસ્ત અને સમૃદ્ધ બનશે. આ પ્રસંગે તેમણે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સૂક્ષ્મ ભેદ પણ ગ્રામજનોને સમજાવ્યો હતો.

    નવી પેઢીના ઘડતર અને સંસ્કારો પર ભાર

    નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. બાળકોને પૂરતું શિક્ષણ અપાવવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, બાળક શિક્ષિત અને સંસ્કારી હશે તો તે જાતે ધન એકઠું કરી લેશે, પરંતુ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. તેમણે યુવાઓને વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.

    ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

    આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યપાલે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એક વિશેષ અભિયાન આદર્યું છે, જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે ગુજરાતના અનેક ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. વિસનગર તાલુકાના સદુથલા ગામે ખેડૂતોને માર્ગદર્શન આપવા પધારવા બદલ મંત્રીએ સમસ્ત ગ્રામજનો વતી રાજ્યપાલનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

    મહાનુભાવોની ઉપસ્થિતિ

    આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ અને ગામના સરપંચ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
apply