રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટીબી મુક્ત ભારત અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી કામગીરીની કરી સમીક્ષા
Live TV
-
ગુજરાત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલા નવીનતમ પગલાંઓના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ (ટીબી) સંબંધિત મૃત્યુદરમાં સતત અને નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2023માં રાજ્યમાં નવા ટીબી દર્દીઓના નોંધણી દરમાં 34 ટકા અને ટીબીથી થતા મૃત્યુદરમાં 37 ટકા સુધીનો ઘટાડો થયો છે .
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકભવન ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આરોગ્ય નિયામક ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્યમાં ચાલી રહેલા ટી.બી. નિયંત્રણ કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ટી.બી. સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃત અને સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાનું મુખ્ય આધારસ્તંભ છે.માનનીય રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, દરેક ટી.બી. દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે, તે માટે સતત પ્રયત્નો જરૂરી છે, જેથી ગુજરાત ટૂંક સમયમાં ટી.બી. મુક્ત રાજ્ય બનીને દેશ માટે એક પ્રેરક મોડેલ રજૂ કરી શકે.
આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ વર્ષ 2022માં 1,49,856 ટીબી દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 1,24,992 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા અને 6,606 મૃત્યુ નોંધાયા હતા. વર્ષ 2023માં 1,42,294 દર્દીઓ નોંધાયા, જેમાંથી 1,32,809 સ્વસ્થ થયા અને મૃત્યુઆંક 5,874 રહ્યો. વર્ષ 2024માં નોંધણી 1,37,896 રહી, 1,24,938 દર્દીઓ સાજા થયા અને 5,638 મૃત્યુ નોંધાયા. વર્ષ 2025માં (જાન્યુઆરીથી ઑક્ટોબર) 1,12,981 નવા દર્દીઓ નોંધાયા છે અને હાલ સારવારાધીન છે, જ્યારે આ સમયગાળામાં મૃત્યુઆંક 3,516 રહ્યો છે,જે 2024ના સમાન સમયગાળાની સરખામણીએ સ્પષ્ટ ઘટાડો દર્શાવે છે .
ટીબીથી થતા મૃત્યુમાં વધુ ઘટાડો લાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યના મેડિકલ કોલેજોના ટીબી નિષ્ણાતો અને રાજ્ય ટીબી ટીમના સહયોગથી એક વ્યાપક ટીબી સારવાર અને ફોલોઅપ પ્રોટોકોલ તૈયાર કર્યો છે. આ પ્રોટોકોલ અંતર્ગત દર્દીઓને નિદાન સમયે લો-રિસ્ક અને હાઈ-રિસ્ક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હાઈ-રિસ્ક દર્દીઓ માટે જિલ્લા અને મેડિકલ કોલેજ સ્તરે વધારાની તપાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દવા શરૂ કર્યા બાદ 15મા દિવસે તથા ત્યારબાદ દર બે મહિને મૂલ્યાંકન ફરજિયાત છે. છ મહિના પૂર્ણ થયા પછી TrueNat દ્વારા સ્પ્યુટમ તપાસ અને એક્સ-રે આધારિત મૂલ્યાંકન અનિવાર્ય રાખવામાં આવ્યું છે. દર મહિને ચોથા સોમવારે રાજ્ય સ્તરે ટીબી ડેથ ઑડિટ સમીક્ષા બેઠક યોજાય છે .
રાજ્યમાં ટીબી નિદાન માટે 2,351 નિઃશુલ્ક માઇક્રોસ્કોપી સેન્ટરો, અમદાવાદ-જામનગર-સુરત ખાતે 3 ટીબી કલ્ચર લેબ, 74 CBNAAT મશીનો અને 326 TrueNat મશીનો કાર્યરત છે. ઉપરાંત નવી 60 TrueNat મશીનોની ખરીદી પ્રક્રિયા પ્રગતિમાં છે. સ્ક્રીનિંગ માટે 37 અલ્ટ્રા પોર્ટેબલ હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનો ઉપલબ્ધ છે અને વધારાના 105 મશીનો ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે .રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક ટીબી દર્દીને દર મહિને રૂપિયા 1,000 ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2023માં ₹36.20 કરોડ, વર્ષ 2024માં ₹49.70 કરોડ અને વર્ષ 2025માં (જાન્યુઆરી–ઑક્ટોબર) ₹46.30 કરોડની DBT સહાય દર્દીઓના ખાતામાં જમા કરવામાં આવી છે .
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત NGO, CSR અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી નિક્ષય મિત્ર મોડલ અમલમાં મૂકાયું છે. રાજ્યમાં 29,734 નિક્ષય મિત્ર નોંધાયેલા છે. જેમના દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ થયું છે. ઉપરાંત, વર્ષ 2023માં 1,610 અને વર્ષ 2024માં 3,128 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે.ટીબી દર્દીઓની સમયસર દેખરેખ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા ટેલી-કોલિંગ સિસ્ટમ અમલમાં છે. 2025માં 1,19,259 કોલ દ્વારા દર્દીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો અને 9,523 જરૂરિયાતમંદ દર્દીઓને જિલ્લા સ્તરે જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ગુજરાત સરકારના સતત પ્રયાસો અને સુવ્યવસ્થિત પ્રોટોકોલના કારણે રાજ્યમાં ટીબીના કેસ અને મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
