રાજ્યમાં આગામી 10 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં આગામી કેટલાક દિવસો દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે 10 જૂન સુધી માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.
હાલમાં ઉત્તરી પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન નજીક પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે.બીજી તરફ કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગામી બે થી ત્રણ દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
