રાજ્યમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા, હજુ 7 દિવસ વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ધરોઈ ડેમની સપાટી સતત વધી રહી છે. ધરોઈ ડેમમાંથી અને સંત સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા અમદાવાદમાં સુભાષ બ્રિજ નજીક પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે સાણંદ સહિતના 100થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાસણા બેરેજની સપાટી પણ હાલ 130 ફૂટથી વધુ, એટલે કે 130.50 ફૂટ નોંધાયું છે.
સંત સરોવરમાંથી 73 હજાર 934 ક્યુસેક અને ધરોઈ ડેમ તરફથી 19 હજાર 700 ક્યુસેક પાણી આવી રહ્યું છે. આ વધારાના પ્રવાહને કારણે બેરેજમાંથી 83 હજાર 901 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. આ માટે ગેટ નંબર 3થી 29 સુધીના કુલ 27 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. પાણી ફ્રી ફ્લો રીતે નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજની આજે સવારે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. મંત્રી શ્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં 100થી 300 મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
ધરોઇ બંધમાંથી તા.૨૩ ઓગસ્ટ-2025થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ધરોઇ બંધના નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે. હાલમાં ધરોઇ બંધની જળસપાટી 617.22 ફૂટ છે તથા 82 ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. ધરોઇ બંધમાં પાણીની આવક 42,681 ક્યુસેક અને જાવક 38,976 ક્યુસેક છે.
દાહોદ જિલ્લાના ઝાલોદનો માછણનાળા ડેમ છલકાયો. ઉપરવાસમાં વરસાદને કારણે દાહોદ જિલ્લાના મુખ્ય 5 ડેમ ઓવરફ્લો થયા છે, જેમાં દાહોદ જિલ્લામાં ઉમરીયા ડેમ, અદલવાડા ડેમ, કાળી-2 ડેમ અને કબુતરી ડેમ પણ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનું માછણ નદી ના જલ પ્રવાહને વધતા નદી પર આવેલ માછણ નાળા ડેમ પોતાની મહત્તમ સપાટી 277.64 મીટર વટાવી 277.65 મીટરે પહોંચતા ઓવરફલો થઇ છે, જેથી નીચાણ વાળા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દાહોદના માછણ નાળા ડેમ ઓવરફ્લો થતાં દાહોદ જિલ્લાના તમામ ડેમ 100% ભરાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય 4 જળાશય છે અને તમામમાં પાણીની સારી આવક થતા જળાશયો ભરયા છે હિંમતનગર ના હાથમતી જળાશયની વાત કરીએ તો 100 ટકા ભરાઈ જવાથી ઓવર ફ્લો થયો છે જેને અધિકારીઓ સહિત સ્થાનિકોએ પાણીના વધામણા પણ કરવામાં આવ્યા તો વિજયનગર ના હરણાવ જળાશય 95.78 ટકા જેટલો ભરાયો છે ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યુ તો ખેડબ્રહ્માના ખેડવા જળાશય 65.39 ટકા ભરાયો છે તો હિંમતનગરનો ગુહાઈ જળાશય કે જે 90 ટકા જેટલો ભરાયો છે તો હાથમતી જળાશય કે જે હાલ 100 ટકા ભરાઈ જવાથી ઓવર ફ્લો થઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આગામી 5 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
હાલ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય છે અને , અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના વધી રહી છે, અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની વકી છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
