રાજ્યમાં સિઝનના 40 ટકાથી વધુ વરસાદને કારણે જળાશયો પાણીથી ભરપૂર
Live TV
-
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 47.13 ટકા પાણીનો સંગ્રહ, તો રાજ્યના 206 જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ 52 .19 ટકા
ચોમાસાની ઋતુની રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ભારે વરસાદને પગલે સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 40 ટકાથી વધુ વરસાદને પડવાને કારણે રાજ્યના જળાશયો પાણીથી ભરપૂર થઈ ચૂક્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 47.13 ટકા પાણીનો સંગ્રહ થયો છે તો રાજ્યના 206 જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ 52 .19 ટકા સુધી પહોંચી ગયો છે. તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 36,507 ક્યુસેક થઈ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 320.94 ફૂટ પર છે. ડેમમાંથી પાણીની જાવક 800 છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
ડાંગ અને અરવલ્લીમાં ભારે વરસાદ
ડાંગ જિલ્લામાં સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય ચાર નદીઓમાં પૂરની સ્થિતી ઉભી થઇ શકે છે. હાલની સ્થિતિએ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે. ગીરાધોધમાં પાણીની આવક વધતા આહવા નજીક શિવ ઘાટ પાસે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. સતત વરસાદના કારણે જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા માણવા પરિવાર સહિત આવી રહ્યાં છે. આંકડાકીય માહિતી જોઇએ તો આહવામાં સવા ચાર ઇચ, વધઇમાં ચાર ઇચ, સાપુતારામાં અઢી ઇચ, જ્યારે સુબીરમાં અઢી ઇચ વરસાદ નોંધાયો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં મોડીરાત્રીથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.. જ્યારે મોડાસા , મેઘરજ અને બાયડમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે ભિલોડા તાલુકાની ઈન્દ્રાસી અને હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમજ માઝુમ ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું...જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા..
