રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર
Live TV
-
રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યનાં 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન હિટ વેવની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં ઓરેંન્જ એલર્ટની શક્યતા છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિત અન્ય વિસ્તારોમાં યલો એલર્ટની શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી 45.2 ડિગ્રી તાપમાન કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધાઈ હતી. આ સાથે અમદાવાદમાં 44 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડયો હતો. અમદાવાદમાં સામાન્ય રીતે મે માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે.
AMC દ્વારા 2019 માં બનાવવામાં આવેલ હીટ એક્શન પ્લાનની મદદથી ગરમીના પ્રમાણનાં માપનની જાણકારી મેળવવી સરળ થઇ છે, જેમાં તાપમાન અનુસાર યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ બહાર પાડવામાં આવે છે:
યલો એલર્ટ: હિટવેવને કારણે ગરમીનો પારો 41.1 થી 43 ડિગ્રી પાર જવાની શક્યતા હોય ત્યારે
ઓરેન્જ એલર્ટ: 43.1 થી 44.9 ડિગ્રીએ ગરમી હોય ત્યારે આ એલર્ટ આપવામાં આવે છે.
રેડ એલર્ટ: ગરમીનો પારો 45 કે તેથી વધુ ડિગ્રીએ પહોંચે ત્યારે આ ચેતવણી જાહેર થાય છે.
આરોગ્ય ખાતાએ ગરમીનું પ્રમાણ વધતાં તેમજ લૂ લાગવાથી બચવા જાહેર જનતાને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે જેમાં ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું તેમજ પુષ્કળ પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે. નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો તેમજ અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં અને જરૂર જણાય ત્યારે અવારનવાર ભીના કપડાંથી શરીર લુછવાનું પણ સુચન કરવામાં આવ્યું છે. લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનનાં કપડાં પહેરવા અને બપોરનાં સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે.
