રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરાઈ: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
Live TV
-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. 20 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા 10,01,724 છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ 8,23,743૭ લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ 18,05,612.16 મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. 12,965.37 કરોડ છે, જેમાંથી 6,33,149 લાભાર્થીઓને રૂ. 9,907.86 કરોડના મૂલ્યની ચૂકવણી પણ કરવામાં આવી છે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2025-26 માં તા. 1 થી 22 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કુલ 10,11,936 ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઈ છે. મગફળી પાકમાં ગયા વર્ષે 3.74 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું, તેની સામે આ વર્ષે 9.31 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. કેન્દ્ર સરકારે 20.10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી તા. 9 નવેમ્બર, 2025 થી શરૂ થઈ છે અને તા. 6 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. ચાલુ ખરીફ સીઝનમાં આ પાકોની ખરીદીનું કુલ મૂલ્ય અંદાજે રૂ. 15 હજાર કરોડ રૂપિયા થશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તુવેર પાક માટે તા. 22 ડિસેમ્બર, 2025 થી નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તા. 20 જાન્યુઆરી, 2026 સુધી e-Samruddhi પોર્ટલ પર 1,30,640 ખેડૂતોની નોંધણી થઈ છે. આ પ્રથમ વખત NAFEDના e-Samruddhi પોર્ટલ પર આધાર આધારિત POS Thumb Impression / Face Recognition વડે વિનામૂલ્યે નોંધણી થઈ રહી છે. ભારત સરકારના માર્ગદર્શન મુજબ તુવેર, અડદ અને મસૂર પાકની ખરીદી રાજ્યના કુલ ઉત્પાદનના 100 ટકા સુધી થઈ શકે છે.રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં લેવામાં આવેલા નવીન અને ઈનોવેટીવ પગલાં વિશે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, નોંધણી કરેલા ખેડૂતોની જ ખરીદી માટે પ્રથમ વખત આધાર-એન્બલ્ડ બાયોમેટ્રિક / ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા આવે છે. આ ઉપરાંત ખેડૂતો માટે નોમીની સુવિધા, જેથી ખેડૂત ન આવે તો નોમીની વેચાણ કરી શકે, ચૂકવણી આધાર-સીડેડ બેંક ખાતામાં DBT થકી તુરંત જમા, જિલ્લા-તાલુકા સ્તરે વિજિલન્સ કમિટીઓ દ્વારા ખરીદ કેન્દ્રોની નિયમિત તપાસનો સમાવેશ થાય છે.
