રાષ્ટ્રીય વન શહીદ દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વન શહીદ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
વન અને વન્યજીવોની સુરક્ષા કાજે શહીદ થયેલા ફ્રન્ટલાઈન સ્ટાફ વનરક્ષક, વનપાલ, અને પરિક્ષેત્ર વન અફસરોની શહાદતના સન્માનમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 11 સપ્ટેમ્બરના દિવસને 'રાષ્ટ્રીય વન શહીદ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. વન શહીદોનું આ બલિદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને અને નાગરિકોમાં વન તેમજ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા અને રક્ષણની ભાવના વધુ સુદ્રઢ બને તેવા આશયથી આ દિવસની દેશ ભરમાં ઉજવણી થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વન અને વન્યજીવોના રક્ષણ કાજે 1981થી અત્યાર સુધીમાં શહીદ થયેલા 11 જેટલા વનકર્મીઓની શહાદતનું સ્મરણ કરીને તેમની ફરજ પરસ્તીને બિરદાવી હતી.
તાજેતરમાં વ્યારાના પરિક્ષેત્ર વન અધિકારી વિકાસ દેસાઈએ પોતાના જીવની પરવા કર્યા વીના ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવીને શહીદી વહોરી હતી. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ પરિવાર જનોને વન શહીદ સ્મારક ખાતે રૂબરૂ મળીને આર્થિક સહાયરૂપે 50 લાખનું બેનિવોલન્ટ ફંડ અર્પણ કર્યું હતું.
આ ઉપરાંત, 6 જુલાઈના રોજ સિંહ સાથેના ઘર્ષણમાં ઈજાગ્રસ્ત થયેલા વનકર્મી કાળુ બોઘાભાઈ પરમારનું વિશિષ્ટ સન્માન કરીને તેમને 2 લાખની સહાયનો ચેક પણ મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય રીટા પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડૉ. આશિષ દવે, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ આર.સી મીના તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ, ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ એસોસિયેશન દિલ્હીના ચેરમેન તેમજ હિમાચલ, ઝારખંડ, ઓરિસ્સા અને ઉત્તરાખંડના વન વિભાગના મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ 2 મિનિટનું મૌન પાળીને વન શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.
