વડોદરા બ્રિજ દુર્ઘટના: મૃત્યુઆંક 14 પર પહોંચ્યો, તપાસ તેજ
Live TV
-
વડોદરા બ્રિજ દુર્ઘટના: મૃત્યુઆંક 14 પર પહોંચ્યો, તપાસ તેજ
વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 પર પહોંચ્યો છે. આજે વહેલી સવારે NDRF દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવતા તેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો.
આ ગંભીર દુર્ઘટના બાદ મુખ્યમંત્રીના આદેશને પગલે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમ દુર્ઘટનાના કારણો અને પુલની ગુણવત્તા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે.
આજના બચાવ અને શોધખોળ ઓપરેશન દરમિયાન ડૂબેલા વ્યક્તિઓ અને વાહનોની શોધ ઉપરાંત, પાણીમાં ગરકાવ થયેલા રસાયણ ભરેલા ટેન્કરથી કોઈ નુકસાન ન થાય તે બાબતને વિશેષ અગ્રતા આપવામાં આવી હતી. પર્યાવરણીય જોખમને ટાળવા માટે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ પણ આજે સવારે સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં ભારે શોક અને ચિંતા પ્રવર્તી રહી છે, અને સરકાર દ્વારા મૃતકોના પરિવારોને સહાય તેમજ ઇજાગ્ર્રસ્તોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ બાદ દુર્ઘટનાના સાચા કારણો બહાર આવશે તેવી અપેક્ષા છે.
