શિક્ષણ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શિક્ષણ સુધારણા વિષયક પશ્ચિમી પ્રાદેશિક સંવાદ યોજાયો
Live TV
-
અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રાદેશિક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણના આપીને તેમના સામાજિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી આવતીકાલે રાજ્યના ૧૩.૫૦ લાખ જેટલાં બાળકોને ૩૭૦ કરોડથી વધુની આર્થિક સહાય સીધી તેમના બૅંક ખાતામાં જમા કરાવવામાં આવશે.
ભારતમાં માધ્યમિક શિક્ષણની સ્થિતિને સમજવા અને પહોંચ તથા શિક્ષણને આગળ વધારવા માટે કઈ મુખ્ય નીતિગત અને કાર્યક્રમ આધારિત સુધારાની જરૂર છે તે જાણવા માટે પશ્ચિમી પ્રાદેશિક પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિસેફ આયોજિત પ્રાદેશિક પરામર્શોની શ્રેણીમાં આ બીજી કડી છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું વિધાન ટાંકી જણાવ્યું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. તેમણે ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે થયેલા પરિવર્તનો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ને પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિચાર પર આધારિત એક સીમાચિહ્નરૂપ પગલું ગણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે ગુજરાત રાજ્યએ શિક્ષણને સમાવેશી, સતત અને ઝડપી વિકાસનો પાયો માન્યો છે. આ માટે શિક્ષણના માળખાને મજબૂત કરવા રાજ્ય સરકારે અનેક પહેલ કરી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો થકી પ્રાથમિક શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ જેવી મહત્ત્વાકાંક્ષી યોજના દ્વારા ₹૧૨,૦૦૦ કરોડના મોટા રોકાણ સાથે ૨૦,૦૦૦થી વધુ શાળાઓને આધુનિક માળખાગત સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને STEM/કમ્પ્યુટર લેબ્સ સાથે સુધારવા માટે કાર્યરત્ છે. શિક્ષણ માટેના બજેટમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. માધ્યમિક સ્તરે, રાજ્ય સરકારે પ્રવેશ, ગુણવત્તા અને સમાનતા વધારવા માટે નોંધપાત્ર સુધારા કર્યા. ગ્રાન્ટેડ શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ્સ અને કૉમ્પ્યૂટર લેબ્સથી સજ્જ કરવામાં આવી છે.શિક્ષણ મંત્રીએ કહ્યું કે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ અને ‘નમો લક્ષ્મી’ જેવી યોજનાઓ વિજ્ઞાન શિક્ષણ અને કન્યા શિક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. નમો લક્ષ્મી યોજનાને કારણે લગભગ ૬૦,૦૦૦ છોકરીઓ ફરીથી શાળામાં જોડાઈ છે. આ પરિવર્તનકારી પહેલોના પરિણામે, માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ દરમાં ૨૦૨૩-૨૪ના ૨૧%થી ઘટીને ૨૦૨૪-૨૫માં ૧૬.૯% જેટલો ઘટાડો થયો છે.
ઉપરાંત, બોર્ડ પરીક્ષાના સુધારાઓના કારણે છેલ્લા દાયકાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. આ પ્રકારના કાર્યક્રમો અન્ય રાજ્યોના અનુભવોમાંથી શીખવા અને વિકસિત ભારત@૨૦૪૭ના વિઝનમાં યોગદાન આપવા માટે એક મૂલ્યવાન તક પૂરી પાડે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમારે રાજ્ય સરકાર દ્વારા કન્યાશિક્ષણ માટે યોજવામાં આવેલા કાર્યક્રમો અને વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ‘નમો લક્ષ્મી વિજ્ઞાન સાધના’ જેવી વિવિધ યોજનાઓ થકી બાળાઓને શિષ્યવૃત્તિ તથા વિવિધ તબક્કે જરૂરી સહાય પૂરી પાડવામાં આવે છે. જેના પરિણામે, ગર્લ ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થવાની સાથે શાળા છોડી ગયેલી બાળકીઓ ફરીથી અભ્યાસ માટે જોડાઈ રહી છે.
યુનિસેફ ઇન્ડિયાનાં મુખ્ય શિક્ષણ અધિકારી ડૉ. સાધના પાંડેએ કિશોર શિક્ષણ અને કૌશલ્યોમાં સતત રોકાણના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું કે ભારતના ૧૬.૫ કરોડ કિશોરો માટે માધ્યમિક શિક્ષણમાં પર્યાપ્ત રોકાણ કરવું એ ભારતના ભવિષ્યમાં રોકાણ કરવા સમાન છે.
આ માટે તેમણે વિવિધ અભ્યાસો અને સંશોધનો વિશે વાત કરતાં જણાવ્યું કે માધ્યમિક શાળા પૂર્ણ કરવાથી બાળ લગ્ન, પ્રારંભિક ગર્ભાવસ્થા અને બાળમજૂરીના જોખમો ઘટે છે, જ્યારે સામાજિક વળતરમાં અને વાર્ષિક આવકમાં પણ ૧૦ ટકા સુધીનો વધારો જોઈ શકાય છે. સુશ્રી પાંડેએ વર્તમાન સંસાધનોનો વધુ બહેતર ઉપયોગ, અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને વૈશ્વિક શ્રમબજાર માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે શિક્ષણ કાર્યબળને સારી રીતે તૈયાર કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
યુનિસેફ ગુજરાતના મુખ્ય અધિકારી શ્રી પ્રશાંતા દાસે ભારત અને ગુજરાતમાં શ્રેષ્ઠ માધ્યમિક શિક્ષણ ઇકોસિસ્ટમ બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પૂર્વભૂમિકા રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલીના શૈક્ષણિક નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદ્દો તથા પ્રતિનિધિઓ જોડાયા હતા.
રાષ્ટ્રીય પરામર્શ શ્રેણી શું છે?
ભારતમાં ૨૪.૫ કરોડ કિશોરો-કિશોરીઓ છે. દરેક યુવા મજબૂત શિક્ષણ, જીવન કૌશલ્યો અને ઉત્પાદક ભવિષ્યના માર્ગો સાથે માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેના પર દેશનો વિકાસ આધારિત છે, ત્યારે રાષ્ટ્રીય સ્તરે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થાય એ જરૂરી છે. ખાસ કરીને ગ્રામીણ, અંતરિયાળ વિસ્તારો અને વંચિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક બદલાવ આવે તે જરૂરી છે.
આ માટે પશ્ચિમી પ્રાદેશિક સંવાદ એ શિક્ષણ વિભાગ અને યુનિસેફ ઇન્ડિયા દ્વારા સમર્થિત ભારતના આગામી માધ્યમિક શિક્ષણ સુધારા કાર્યક્રમ (૨૦૨૫-૨૦૩૦) માટેની રૂપરેખા દર્શાવતી બહુઆયામી સંવાદોની રાષ્ટ્રવ્યાપી શ્રેણીનો ભાગ છે.
જેનો હેતુ માધ્યમિક શિક્ષણ પ્રણાલીઓને પરિવર્તિત કરવા માટે સહિયારો રોડમેપ બનાવવાનો છે. જેથી દરેક કિશોર મજબૂત શિક્ષણ, જીવન કૌશલ્યો અને ભાવિ તકો સાથે ૧૨ વર્ષનું ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂર્ણ કરી શકે.
ઉલ્લેખનીય છે કે, યુનિસેફ વિશ્વના સૌથી દૂરસ્થ સ્થળોએ, વંચિત બાળકો સુધી પહોંચવા માટે કામ કરે છે. ૧૯૦થી વધુ દેશો અને પ્રદેશોમાં યુનિસેફ દરેક બાળક, દરેક જગ્યાએ, બધા માટે વિશ્વના ઉમદા ભવિષ્ય નિર્માણ માટે કામ કરે છે.
