સંખેડાના ખુનવાડ ગામની પૂર્વીની આત્મનિર્ભરતાની અનોખી ગાથા
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાની સંખેડાની ધરતીએ અનેક કલાધરોને પણ જન્મ આપ્યો છે. સંખેડાના ખુનવાડ ગામના ધરતીપુત્ર પરિવારની દીકરી પૂર્વી પટેલે પોતાની મહેનત અને કલાના કસબથી આત્મનિર્ભરતાનો નવો રાહ ચીંધ્યો છે. શૂન્યમાંથી સર્જન કરી આજે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
વડોદરાની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માંથી 'બેચલર ઓફ ફાઈન આર્ટ્સ'નો અભ્યાસ કરનાર પૂર્વી તેની બ્રાન્ડ ચંપાકલી વિશે વાત કરતા કહે છે કે મને નાનપણથી જ કલા પ્રત્યે અતૂટ પ્રેમ હતો. મારા પેઇન્ટિંગના શોખને માત્ર કેનવાસ પૂરતો મર્યાદિત ન રાખતા, તેને વ્યવસાયમાં પરિવર્તિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. મારી સર્જનાત્મક સફરની શરૂઆતમાં ચંપાકલી નામની બ્રાન્ડ બનાવી. યંગસ્ટર્સને ધ્યાને રાખીને મલ કોટન પર હેન્ડવર્ક અને સ્ટીચ કરીને સમરવેર બનાવ્યા, માટી (Clay) અને કાપડના મિશ્રણથી આકર્ષક ઘરેણાં બનાવ્યા.
પૂર્વીએ પોતાન નવતર પ્રયોગ વિશે માહિતી આપતા જણાવ્યું કે, મેં ખેતરમાં ઉગતી નકામી ગણાતી દૂધીના સૂકા તુમડામાંથી મનમોહક 'ચકલીના માળા' અને રાત્રિના અંધકારને રોશન કરતા કલાત્મક 'નાઈટ લેમ્પ' તૈયાર કર્યા. આમ કુદરતી ચીજવસ્તુઓને કલાત્મક રૂપ આપી ગૃહ સુશોભન માટે અનેક અવનવી વસ્તુ બનાવી.
વધુ માહિતી આપતા પૂર્વી કહે છે કે હું વડોદરા સહિત વિવિધ શહેરોમાં આયોજિત પ્રદર્શનો (Exhibitions) માં ગર્વભેર ભાગ લંઉ છું. ચંપાકલી દ્વારા નિર્મિત કલાત્મક નમૂનાઓ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે .યંગસ્ટર્સમાં મારી clay જ્વેલરીની ખૂબ માંગ હોય છે.
કેરલમાં આયોજીત સરસ મેળામાં કેરલના મુખ્યમંત્રીના વરદહસ્તે બેસ્ટ સ્ટોલનો થર્ડ પ્રાયસ પૂર્વીને મળ્યો હતો.
ખુનવાડ ગામના મહેનતુ ખેડૂત માતા-પિતાના આંગણે ઉછરેલી આ ૨૩-૨૪વર્ષની દીકરીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને હાથમાં કસબ હોય તો ગ્રામીણ પૃષ્ઠભૂમિ ક્યારેય અંતરાય બનતી નથી.
આજે પૂર્વી પટેલ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાર્થક કરી રહી છે. જ્યારે કલાને મહેનતનું પીંછું લાગે છે, ત્યારે સફળતાના રંગો વધુ ઘટ બને છે.
