'સરદાર@150' રાષ્ટ્રીય એકતા પદયાત્રાની 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગરમાં પૂર્ણાહુતિ
Live TV
-
યાત્રામાં દેશભરના 150 કાયમી પદયાત્રીઓએ જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અને રાષ્ટ્રભક્તિ સંદેશને જન જન સુધી પહોંચાડ્યો હતો...
લોખંડી પુરૂષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલનેની 150મી જન્મ જયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી 'સરદાર@150' રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને શું કહ્યું ?
ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર કહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરૂ પાડીને 560થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે. દેશભરમાં 1300થી વધુ પદયાત્રાઓમાં 14 લાખથી વધુ યુવાનોની ભાગીદારી એ સિદ્ધ કરે છે કે, સરદાર પટેલ દ્વારા પ્રજ્વલિત એકતાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે એમ ગૌરવ સાથે જણાવતા તેમણે એમ પણ કહ્યું કે, સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે. સરદાર સાહેબે પોતાના સાદગીભર્યા વ્યક્તિત્વથી વિશ્વને સંદેશ આપ્યો હતો કે “એગ્રીકલ્ચર ઈઝ અવર કલ્ચર.. અમારી સંસ્કૃતિનું મૂળ કૃષિ છે અને એ જ અમારી ઓળખ છે. તેમણે ઉમેર્યું કે, સરદાર પટેલે સમગ્ર રાષ્ટ્રને એકતાના સૂત્રમાં પરોવીને ભારતને એક, અખંડ અને મજબૂત બનાવ્યું.
ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને કહ્યું કે, વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધી, દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને વિકાસને રાષ્ટ્રીય આંદોલન બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ ગુજરાત છે. તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, દેશના કોઈ પણ ખૂણે ‘કેમ છો?’નો ઉચ્ચાર થાય છે, ત્યારે પ્રત્યુત્તરમાં ‘મજામાં!’ સાંભળવા મળે છે, આ ભાવના ગુજરાતની પ્રગતિશીલ વિચારસરણી અને વડાપ્રધાનના લોકપ્રિય નેતૃત્વનું પ્રતિબિંબ છે.
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં ભારતે આર્થિક, સામાજિક, સૈન્ય અને વિદેશ નીતિ, રણનીતિ જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. નારી શક્તિ વંદન કાયદાએ સ્ત્રી સશક્તિકરણ થી આગળ વધીને વુમન લેડ ડેવલપમેન્ટનો યુગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ચાર નવી શ્રમ સંહિતાઓ લાગુ કરી છે, જે ન્યાયપૂર્ણ, સર્વ સમાવેશી અને પ્રગતિશીલ ભારત નિર્માણના સંકલ્પને મજબૂત આધાર આપે છે. આ શ્રમ સંહિતા દેશના શ્રમિક વર્ગ માટે સમાનતા અને સન્માનનો પથ પ્રશસ્ત કરશે. તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલનું મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારત નું સ્વપ્ન છેલ્લા એક દાયકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ઝડપથી સાકાર થઈ રહ્યું છે. સરદાર સાહેબના આદર્શ વિચારોનો વારસો આજે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047 ના સંકલ્પમાં દેખાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શું કહ્યું?
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, "બારડોલી સત્યાગ્રહે સરદાર સાહેબને દેશભરમાં મજબૂત અને કદાવર જનનેતાના રૂપમાં પ્રસ્થાપિત કર્યા. અંગ્રેજોના અત્યાચારી કર વધારા સામે વલ્લભભાઈ પટેલે આગળ આવીને નેતૃત્વ લીધું હતું. તે સમયે તેઓ એક સફળ વકીલ હતા અને આરામદાયક જીવન જીવી શકતા હતા, પરંતુ તેમણે દેશ સેવા માટે પોતાની વકીલાત છોડી દીધી હતી. સરદાર પટેલે ખેડૂતો માટે બારડોલીના ગામડે ગામડે ફરી ખેડૂતોને એકઠા કર્યા, આત્મવિશ્વાસ જગાવ્યો અને તેમને એકતાના સૂત્રમાં બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. આવા કપરા સમયમાં સરદાર પટેલે સફળ સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું હતું.ખેડૂતોના આ વિજય અને તેમના નેતૃત્વને કારણે જ વલ્લભભાઈ પટેલને “સરદાર” તરીકે સન્માનિત નામ મળ્યું હોવાનું કહ્યું હતું. એકતાનગર ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનું નિર્માણ કરાવીને તેમણે દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક બનાવ્યું છે."
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીનું વર્ષ સમગ્ર દેશમાં રાષ્ટ્રગૌરવને ઉજાગર કરતું એક ઐતિહાસિક વર્ષ બની રહ્યું છે. આ વર્ષ રાષ્ટ્રગાન વંદે માતરમ, ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ તથા સરદાર સાહેબના વિચારધારાના વૈશ્વિક પ્રચાર–પ્રસારનું પ્રેરણાસ્રોત બની રહ્યું છે. ભારત એક સક્ષમ રાષ્ટ્ર તરીકે ઊભું છે તે સરદાર પટેલની રાજનીતિ, હિંમત અને મજબૂત ઇચ્છાશક્તિનું પરિણામ છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલું બંધારણ આપણા રાષ્ટ્રના બંધુત્વના સંકલ્પનું પ્રતીક છે. 26 નવેમ્બર એટલે કે બંધારણ અંગીકાર દિવસથી શરૂ થયેલી આ રાષ્ટ્રીય યુનિટી માર્ચનું ડૉ. બાબાસાહેબની પૂણ્યતિથિ એટલે કે પરિનિર્વાણ દિવસે પૂર્ણ થવું એ પોતે જ એક અનોખો અને પ્રેરણાદાયી સંદેશ આપે છે. મુખ્યમંત્રીએ વઉમેર્યું કે, વડાપ્રધાને સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીના "એક દેશ, એક કાયદો, એક બંધારણ" સ્થાપિત કરવાના સંકલ્પને જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરીને સાકાર કર્યો છે. સરદાર પટેલ પ્રત્યે રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, વડાપ્રધાને ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, યુવા શક્તિ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. આ યુનિટી માર્ચમાં જોડાયેલા યુવાનોમાં અદમ્ય ઊર્જા અને પ્રેરણા જોવા મળી છે. થાક્યા વગર સતત ચાલતા યુવાનોની આ યાત્રાને ‘સકારાત્મક પગલું’ પણ ગણાવી શકાય. યાત્રા દરમિયાન સરદાર વંદના સાથે રાષ્ટ્રભક્તિના રંગો સાથે સ્વચ્છતા, એક પેડ મા કે નામ જેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપેલા આયામો યુવા શક્તિએ હૃદયથી ચરિતાર્થ કર્યા છે. એકતાનો, સમરસતાનો અને સામૂહિક વિકાસનો ભાવ પ્રતિક્ષણે દેખાયો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ શું કહ્યું ?
કેન્દ્રીય રમતગમત અને યુવા પ્રવૃત્તિઓ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે, આ પદયાત્રા સરદાર સાહેબના પૈતૃક ગામ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) સુધીની 150 કિલોમીટરની અંતિમ તબક્કાની પદયાત્રામાં પોતે ચાર દિવસ સુધી ભાગ લીધો હતો. તેમણે 150 કાયમી પદયાત્રીઓની સાથે દેશભરમાંથી અસંખ્ય યુવાનો અને મહિલાઓ તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો યુવાનો પોતાની ક્ષમતા મુજબ એક, બે કે ત્રણ દિવસ માટે યાત્રામાં જોડાયા હતા, જેના કારણે આ પદયાત્રા ખરા અર્થમાં 'વિચારની યાત્રા' બની ગઈ છે.
મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ યાત્રા દરમિયાન જનતાના ઉત્સાહપૂર્ણ પ્રતિભાવનું વર્ણન કરતા કહ્યું કે, જ્યાં પણ પદયાત્રા પસાર થઈ, ત્યાં જનતાએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. મોટી સંખ્યામાં સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા છે. ખેડૂતોએ પણ આ યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. જેમણે પોતાના ખેતરોમાં પાકેલા કેળા અને જામફળ રસ્તામાં પદયાત્રીઓને ખવડાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ પદયાત્રા દરમિયાન, ખેડૂતોએ રસ્તામાં કુદરતી ખેતીનું પ્રદર્શન કરીને 'આત્મનિર્ભર ભારત'નો સંદેશ ફેલાવ્યો હતો. આ પદયાત્રા રાષ્ટ્રને એકતા યાત્રા તરીકેનો સંદેશ આપી રહી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરી રહી છે.
