સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ: ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર વલસાડમાં યોજાશે
Live TV
-
ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર 27 થી 29 નવેમ્બર, 2025 દરમિયાન વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ પર યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 241 ઉચ્ચ અધિકારીઓ પોષણ, જાહેર સલામતી, અને હરિત ઊર્જા જેવા વિષયો પર મંથન કરી વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરશે.
ગાંધીનગર: રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર, 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ શિબિરની થીમ “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” રાખવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ સાથે વિકાસનો રોડમેપ તૈયાર કરાશે
પ્રવક્તા મંત્રીએ માહિતી આપી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર આ શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત કુલ 241 જેટલા આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. વિવિધ ચર્ચા સત્રો દ્વારા ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.
નાગરિક-કેન્દ્રિત વહીવટની પરંપરા
મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ વર્ષ 2003થી આ ચિંતન શિબિરની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પરંપરાને આગળ વધારતાં વહીવટને સમયાનુરૂપ ટેકનોલોજી, પારદર્શકતા અને સંવેદનશીલતાની નવી દિશા આપવા માટે આ 12મી વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય ચર્ચાના વિષયો: આ વર્ષની ચિંતન શિબિરમાં નીચેના મુખ્ય વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે:
- પોષણ અને જાહેર આરોગ્ય
- સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ
- વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ
- જાહેર સલામતી
- હરિત ઊર્જા અને પર્યાવરણ
- કર્મયોગી પુરસ્કાર એનાયત
ત્રણ દિવસીય આ શિબિરનો પ્રારંભ 27 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે. બાકીના બે દિવસો દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો અને વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે. શિબિરના સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને 'કર્મયોગી પુરસ્કાર' એનાયત કરવામાં આવશે.
