સુરતનું નવું 'મિની હિલ સ્ટેશન': પ્રકૃતિના ખોળે વસેલો આમલી ડેમ બન્યો પર્યટકોની પહેલી પસંદ
Live TV
-
સુરતનું નવું 'મિની હિલ સ્ટેશન': પ્રકૃતિના ખોળે વસેલો આમલી ડેમ બન્યો પર્યટકોની પહેલી પસંદ
જો તમે પણ વીકેન્ડમાં ભીડભાડથી દૂર શાંતિ અને હરિયાળીની શોધમાં હોવ, તો દક્ષિણ ગુજરાતમાં એક નવું નજરાણું ઉભરી આવ્યું છે. સુરતથી માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલો આમલી ડેમ હાલ પ્રકૃતિપ્રેમીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. ચારેતરફ પથરાયેલી વનરાજી અને પહાડોની ગિરીમાળાઓ વચ્ચે સ્થિત આ સ્થળ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
હિલ સ્ટેશન જેવો અનુભવ
સામાન્ય રીતે સુરતીઓ વીકેન્ડ માણવા માટે સાપુતારા કે અન્ય દૂરના હિલ સ્ટેશન પસંદ કરતા હોય છે, પરંતુ હવે ટૂંકા અંતરે આવેલો આમલી ડેમ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. અહીંનું શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આત્મીયતાનો અનુભવ કરાવે છે.
વન વિભાગની સજ્જતા અને આધુનિક સુવિધાઓ
પ્રવાસીઓના ધસારો વધતા વન વિભાગ દ્વારા અહીં પાયાની સુવિધાઓને વધુ આધુનિક બનાવવામાં આવી છે. રાત્રિ રોકાણ માટે સુંદર અને સુવિધાયુક્ત કોટેજ, બાળકો માટે રમત-ગમતના સાધનો, સુંદર બગીચા અને પૌષ્ટિક આહાર માટે કેન્ટીનની વ્યવસ્થા, સ્થાનિક ઇકો-ટુરિઝમ સમિતિ દ્વારા આ સ્થળનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવે છે, જેનાથી વન્ય સંપદાને નુકસાન પહોંચ્યા વગર પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળે છે.
માંડવીના RFO રવિન્દ્રરાજસિંહ વાઘેલા અને અરવિંદ વસાવાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી માત્ર પર્યટન જ નહીં, પરંતુ સ્થાનિક આદિવાસી સમાજ માટે રોજગારીની નવી તકો પણ ઉભી થઈ છે.
પર્યટકોનો આંકડો જાણીને નવાઈ લાગશે
આમલી ડેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં દર મહિને સરેરાશ 10 થી 12 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. પ્રકૃતિના સાનિધ્યમાં નવી ઉર્જા મેળવવા માટે આ સ્થળ દક્ષિણ ગુજરાતના પર્યટન નકશા પર એક મજબૂત સ્થાન બનાવી ચૂક્યું છે.
