સુરતમાં પૂર રાહત સહાય માટે સર્વેની કામગીરી તેજ, વધુ 65 ટીમો મેદાને, કલેકટરનો નિર્ણય
Live TV
-
સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવ મૃત્યુ, ઇજા તેમજ રહેણાંક મકાનો અને ઘરવખરી સહિતની સ્થાવર-જંગમ મિલકતોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરી પાત્ર લાભાર્થીઓને કેશડોલ્સ, ઘરવખરી સહિતની રાહત સહાય સમયસર મળી રહે તે માટે જિલ્લા કલેકટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.
આ હેતુસર રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓ તથા તેમના સ્ટાફને જોડીને કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં સમાવિષ્ટ 338 અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફીલ્ડમાં જઈ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત એવા શહેરના ઉધના અને મજુરા વિસ્તારના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરના અગાઉના આદેશ મુજબ 50થી વધુ ટીમોના આશરે 250 અધિકારી-કર્મચારીઓ પહેલેથી જ મેદાનમાં રહી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. હવે નવી ટીમોના ઉમેરાથી રાહત સહાયની પ્રક્રિયામાં વધુ ઝડપ આવશે અને અસરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય પહોંચાડવાનું કામ વધુ અસરકારક બનશે.
