સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 25.57 કરોડ રૂપિયાનું 24 કિલો સોનું જપ્ત
Live TV
-
દુબઈથી સુરત આવેલા બે પેસેન્જરની કસ્ટમ વિભાગે કરી ધરપકડ
એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અમદાવાદ કસ્ટમ્સે 24.827 કિલો સોનું જપ્ત કર્યું છે. જેની કિંમત 25.57 કરોડ રૂપિયા છે. આ ગુજરાતમાં અમદાવાદ કસ્ટમ્સ કમિશનરેટ દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી સોનાની જપ્તીઓમાંની એક છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-174 દ્વારા દુબઈથી સુરત આવેલા બે મુસાફરોને AIU ટીમે અટકાવ્યા હતા અને શંકાસ્પદ ગતિવિધિ જણાતા પૂછપરછ કરવામાં આવી હતી. બંને મુસાફરોની તપાસ દરમિયાન, કુલ 28.100 કિલો સોનું પેસ્ટ સ્વરૂપે મળી આવ્યું...જેને વસ્ત્રો,હેન્ડબેગ અને પગરખાંમાં છુપાવવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર અવારનવાર દાણચોરીની ઘટના
આ બંને મુસાફરોની તપાસ કરવામાં આવતા દાણ ચોરીનો સમગ્ર ભાંડો એરપોર્ટ પર જ ફૂટી ગયો હતો. કસ્ટમ વિભાગે 28 કિલો સોનાની પેસ્ટ કબજે કરીને આ બંને મુસાફરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ સોનું દુબઈથી સુરત લાવીને કોને આપવાનું હતું અને કેટલા પૈસામાં આ આખી ડિલ થઈ હતી તે સમગ્ર બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉ વડોદરા રેલવે સ્ટેશન પરથી સોનું ઝડપાયું હતું
ઉલ્લેખનીય છે કે અગાઉ 2 દિવસ પહેલા જ 19 જુલાઈએ વડોદરા રેલવે સ્ટેશન પરથી પણ સોનું ઝડપાયું હતું. આશરે 6 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું હતું. 6 કિલો સોનાની સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી સોનાની સાથે આ વ્યક્તિ ઝડપાયો હતો. શંકાસ્પદ વ્યક્તિનો થેલો ચકાસતા સોનું મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે શકમંદની પૂછપરછ હાથ ધરી હતી.
