Skip to main content
Settings Settings for Dark

સુરત ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેઈમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬૧,૩૬૦ નાગરિકોને રૂ.૫.૫૦ કરોડ જેટલી કેશડોલ્સ (રોકડ સહાય) અને ૨૯,૬૪૨ પરિવારોને રૂ.૧૪.૮૨ કરોડની ઘરવખરીની સહાય મળી કુલ રૂ.૨૦ કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે.

    સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમનાગરિકો, નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનર્વસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેશડોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુન:વસનની કામગીરીની સમીક્ષા માટે આજે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેઈમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું.

    બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છઠ્ઠી અને સાતમી જુલાઈએ સુરત શહેરમાં અતિભારે વરસાદના પરિણામે સર્જાયેલી પૂરની સ્થિતિમાં નાગરિકોને થયેલી મુશ્કેલીઓ અને નુકસાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કાર્યરત છે. 'ટીમ ગુજરાત' તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર અસરગ્રસ્તોના પડખે ઉભા રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬૧,૩૬૦ નાગરિકોને રૂ.૫.૫૦ કરોડ જેટલી કેશડોલ્સ (રોકડ સહાય) અને ૨૯,૬૪૨ પરિવારોને રૂ.૧૪.૮૨ કરોડની ઘરવખરીની સહાય મળી કુલ રૂ.૨૦ કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે.

    તેમણે જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં પ્રથમવાર પૂરની મોટી કુદરતી આપત્તિ બાદ આટલા ટૂંકા ગાળામાં વીમા કંપનીઓ સાથે સંકલન સાધી ક્લેમ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી છે. મળેલા ૫,૨૮૭ ક્લેમ પૈકી ૮૫ ટકા ક્લેમની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતા રૂ.૨૯ કરોડના ક્લેમ મંજૂર કરીને વીમાધારકોને ચેક અર્પણ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

    વીમા ક્લેમના નિકાલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત ફોલો-અપ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આવનારા ૧૫ દિવસમાં ફરીથી રિવ્યુ બેઠક યોજવામાં આવશે. જે વીમા કંપનીઓની કામગીરી ધીમી જણાઈ છે તેમને એક સપ્તાહમાં કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરવામાં આવી છે. સંતોષકારક કામગીરી ન કરનાર ૭ વીમા કંપનીઓને કલેક્ટરશ્રી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને જો કામગીરીમાં ગતિ નહીં આવે તો કડક પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.

    ધારાસભ્યો, સાંસદ, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ જનપ્રતિનિધિઓ ઘરે-ઘરે જઈને બાકી રહી ગયેલા લોકોને સહાય પહોંચાડવા માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સરકારના આ સંકલિત પ્રયાસોના પરિણામે જ સુરતના અસરગ્રસ્ત નાગરિકોને બેઠા કરવામાં, પગભર કરવામાં ગતિ આવી છે અને તેઓ ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે એમ સ્પષ્ટપણે કહ્યું હતું. રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ છે કે, માત્ર કાગળ પર નહીં, પરંતુ પરિણામલક્ષી કામગીરી થાય અને લાભાર્થીઓને તેમનો હક્ક કોઈપણ પ્રકારના વિલંબ વગર મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એમ હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

    બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, વિનોદભાઈ મોરડિયા, સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, મેયર માયાબેન માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, જિલ્લા કલેકટર તેજસ પરમાર, પો.કમિશનર વાબાંગ જમીર, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
apply