સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની અચાનક મુલાકાત, આરોગ્ય સેવાઓની લીધી સમીક્ષા
Live TV
-
રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા શનિવારે વહેલી સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અચાનક પહોંચ્યા હતા. કોઈ પૂર્વ સૂચના વગર થયેલી આ મુલાકાતથી હોસ્પિટલના તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. મંત્રીએ સીધા ટ્રોમા સેન્ટર અને ઇમર્જન્સી વિભાગમાં જઈ દર્દીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને સારવારની સ્થિતિ અંગે સ્થળ પર જ માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ માત્ર અધિકારીઓ સાથે બેઠક જ નહોતી કરી, પરંતુ OPDમાં રાહ જોતા દર્દીઓ સાથે સીધી વાતચીત પણ કરી હતી. દર્દીઓને સારવાર માટે કેટલો સમય રાહ જોવી પડે છે, સ્ટ્રેચર, વ્હીલચેર, પાણી અને સફાઈ જેવી સુવિધાઓ પૂરતી મળે છે કે નહીં તે અંગે તેમણે માહિતી મેળવી હતી. સાથે જ જુનિયર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની સમસ્યાઓ પણ સાંભળી હતી.
પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય અને ગરીબ દર્દીઓને વધુ સારી અને મફત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ઉનાળાની ગરમી અને પાણીજન્ય રોગોને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો, PHC અને CHC કેન્દ્રોને એલર્ટ રાખવામાં આવ્યા છે. 108 સેવા સહિત તબીબી ટીમોને પણ સજ્જ રાખવાની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
બર્ડ ફ્લૂ અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ગુજરાતમાં એકપણ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં સામે આવેલા કેસોને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં આરોગ્ય અને પશુપાલન વિભાગ દ્વારા ચકાસણી અને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની અપીલ કરી હતી.
