સુરેન્દ્રનગરના પટોળાને વૈશ્વિક ઓળખ અપાવનાર પંકજભાઈ મકવાણાને માનદ ‘ડી.લિટ.’ પદવી
Live TV
-
સુરેન્દ્રનગરના જોરાવરનગરના વતની અને પટોળા વણાટના કારીગર પંકજ મકવાણાને પટોળા વણાટકલા તથા વણકર સમાજના સામાજિક-આર્થિક જીવન અંગેના સંશોધન બદલ આઝમગઢની રાજ્ય યુનિવર્સિટી દ્વારા માનદ ‘ડી.લિટ.’ એટલે કે ‘ડૉક્ટર ઓફ લિટરેચર’ની પદવી એનાયત કરવામાં આવી છે.
આઝમગઢ ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે તેમને આ સન્માન મળ્યું હતું.પંકજનો પરિવાર ત્રણ પેઢીથી વણાટના વ્યવસાય સાથે જોડાયેલો છે. પરંપરાગત પટોળા વણાટની જટિલ પ્રક્રિયાને સરળ અને વ્યવહારુ બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની વિકસાવેલી પદ્ધતિથી વણાટકામ ઝડપી બન્યું અને મહિલાઓ પણ ઘરઆંગણે આ કામગીરી સાથે જોડાઈ શકી, જેના કારણે સ્થાનિક સ્તરે સ્વરોજગારી અને આવકની નવી તકો ઊભી થઈ.
પંકજભાઈએ પટોળા વણાટને માત્ર હસ્તકલા તરીકે નહીં, પરંતુ વણકર સમાજની આજીવિકા અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડીને અભ્યાસ કર્યો છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના 3,000થી વધુ વણકરોના સામાજિક જીવન, પરંપરાગત જ્ઞાન, વણાટ પદ્ધતિ, બદલાતા બજાર, ઉત્પાદન અને માર્કેટિંગ સહિતના વિવિધ પાસાંઓનું સંશોધન કર્યું છે.સુરેન્દ્રનગરમાં વિકસેલી સિંગલ ઇક્કત સહિતની પટોળા વણાટ પરંપરાએ દેશ-વિદેશમાં આગવી ઓળખ ઊભી કરી છે. પંકજભાઈની સાથે તેમના ધર્મપત્ની માધુરીબેન મકવાણા પણ પટોળા વણાટ ક્ષેત્રે સક્રિય છે અને બંનેને કારીગરી ક્ષેત્રે વિવિધ સન્માનો પ્રાપ્ત થયા છે.પંકજભાઈને મળેલી માનદ ‘ડી.લિટ.’ પદવી તેમના વર્ષોના કૌશલ્ય, સંશોધન અને હસ્તકલા ક્ષેત્રે પ્રદાનનું સન્માન છે. સાથે જ આ સન્માન સુરેન્દ્રનગરના હજારો વણકરોની પરંપરાગત કુશળતા અને મહેનતને મળેલી માન્યતા સમાન છે.
