સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું, 22 ડબ્બા જપ્ત
Live TV
-
સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું, 22 ડબ્બા જપ્ત કારવામાં આવ્યું. નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી "અમુલ પ્યોર ઘી"ના માર્કવાળા શંકાસ્પદ 22 ડબ્બા જપ્ત કર્યા છે.
આ કાર્યવાહી દરમિયાન મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ હાલતમાં 6 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે શહેરના ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીમાંથી તપાસ કરતા 16 ડબ્બા મળી આવ્યા હતા. SOG ટીમે કુલ 22 ડબ્બા મુદ્દામાલ તરીકે કબજે કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરેન્દ્રનગરની ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીનો જ એક વ્યક્તિ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને મહેતા માર્કેટના વેપારીઓને સપ્લાય કરતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે તે અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
આ ઓપરેશનમાં SOG પીઆઈ ભાવેશ શિંગરખીયા અને તેમની ટીમ તેમજ ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયા અને એ.જે. પ્રજાપતિની ટીમે કામગીરી કરી હતી.
ફૂડ ઈન્સ્પેક્ટર પી.બી. સાવલીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 11 વાગ્યે SOG અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી 3 નમૂના લેવામાં આવ્યા છે, વધુ તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
