સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે
Live TV
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બને એ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ બે લોકમેળા યોજાનાર છે.
જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.13/08/2025 થી તા.17/08/2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો “એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ”ના મેદાનમાં જ્યારે વઢવાણનો લોકમેળો “વઢવાણ મેળાના મેદાન” ખાતે યોજાશે.
સુરેન્દ્રનગર શહેરમાં “એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ”ના મેદાનમાં ખાતે યોજાનાર લોકમેળામાં ગત વર્ષે 16 મોટી રાઈડ્સ હતી જેમાં વધારો કરીને આ વર્ષે 23 મોટી રાઈડ્સ, જ્યારે ખાણી-પીણીના સ્ટોલ જે ગત વર્ષે 10 હતા એમાં વધારો કરીને આ વર્ષે કુલ 32 ફૂડ સ્ટોલ, રમકડના 6 સ્ટોલ હતા એમાં વધારો કરીને આ વર્ષે 94 જેટલા રમકડા(જેવી ચીજવસ્તુ)ના સ્ટોલ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક સ્ટેજની મનોરંજનની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જ્યારે 3 સરકારી વિભાગના સ્ટોલ, 2 વૉચ ટાવર અને 2 સ્થાનિક જગ્યા ઉપરથી નિરીક્ષણની વ્યવસ્થા, 4 સેનિટેશન બ્લોક, 4 ઘોડીયાઘર સહિત સેલ્ફી પોઈન્ટ, મહાનગરપાલિકાની ઓફિસ, સીસીટીવી કંટ્રોલરૂમ, પોલીસ વિભાગનો સ્ટોલ અને ઈલેક્ટ્રીક સ્ટોલ સહિતની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગત વર્ષે આ લોકમેળો અંદાજે 14 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં યોજાયો હતો જ્યારે આ વર્ષે અંદાજે 30 હજાર સ્ક્વેર ફૂટ એરીયામાં યોજાશે.
વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં 12 મોટી રાઈડ્સ, 14 નાના બાળકો માટેની રાઈડ્સ (હાથ વડે ચલાવવાની), 9 આઈસ્ક્રીમ સ્ટોલ, 80 અન્ય સ્ટોલ અને 10 લારી વાળા વેપારી સાથે-સાથે સેલ્ફી પોઈન્ટ, 2 વૉચ ટાવર અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત જન્માષ્ટમી લોકમેળાનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાન અને વઢવાણ મેળાના મેદાન એમ બંને મેદાન માટે મેદાન દીઠ રૂ. 61,00,000 અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાના ટેન્ડર તા.30/07/2025ના રોજ બપોરે 3.30 કલાકે ખોલવામાં આવશે, અને તા.30/07/2025ના સાંજે 4.30 કલાકે મહાનગરપાલિકા કચેરીના ટાઉનહોલ ખાતે માન્ય ટેન્ડરરો વચ્ચે હરાજી કરવામાં આવશે.
