સોમનાથ સ્વાભિમાન પર્વ: વીર હમીરજી ગોહિલના શૌર્ય અને રાષ્ટ્રીય અસ્મિતાના પુનરુત્થાનનો ઉત્સવ
Live TV
-
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ઉજવાઈ રહ્યું છે, ત્યારે એક એવા વીર યોદ્ધાનું સ્મરણ અનિવાર્ય બને છે જેમણે સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એ નામ એટલે વીર હમીર ગોહિલ.
સોમનાથનો ઇતિહાસ માત્ર આક્રમણોનો જ નહીં, પરંતુ તે આક્રમણો સામે લડીને ખમીર બતાવનારા વીરોનો પણ ઇતિહાસ છે. જ્યારે આતતાયી ઝફરખાનની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે લાઠીના રાજકુંવર હમીર ગોહિલે સોમનાથના શિવલિંગની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો.નવી પરણેલી પત્નીનો સાથ અને રાજગાદીનો મોહ ત્યજીને તેઓ સોમનાથના રક્ષણ માટે નીકળી પડ્યા હતા. માર્ગમાં વેગડાજી ભીલ જેવા લડવૈયાઓ તેમની સાથે જોડાયા હતા. આ નાનકડી સેનાએ વિશાળ આક્રમણખોર સૈન્ય સામે જે પ્રતિકાર કર્યો, તે આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે.
સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આજે પણ વીર હમીરજી ગોહિલની ખાંભી (સ્માર્ક) અને તેમની ભવ્ય પ્રતિમા અડીખમ ઉભી છે. *વીર હમીરજી ગોહિલની ખાંભી:* આ એ પવિત્ર સ્થળ છે જ્યાં લડતા-લડતા હમીરજીએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. દરેક શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શને જાય તે પહેલાં આ શહીદને નમન કરે છે.
હાથમાં તલવાર અને ચહેરા પર સ્વાભિમાન સાથેનું તેમનું સ્ટેચ્યુ આવનારી પેઢીને શીખવે છે કે રાષ્ટ્ર અને ધર્મના ગૌરવ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પરંપરા આ ધરતીની તાસીર છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' એ માત્ર ભૂતકાળને યાદ કરવાનો ઉત્સવ નથી, પરંતુ હમીરજી ગોહિલ જેવા શહીદોના બલિદાનથી સિંચાયેલી આ ધરતીની 'અજેયતા'નો જશ્ન છે.
11 જાન્યુઆરીએ નીકળનારી ભવ્ય શૌર્ય યાત્રા, જે હમીર ગોહિલની પ્રતિમાથી સભાસ્થળ સુધી જશે, તે ખરા અર્થમાં શહીદોના વારસાને આપવામાં આવેલી અંજલિ છે. 108 ઘોડેસવારો અને 'જય સોમનાથ'ના નાદ સાથે આ યાત્રા દર્શાવશે કે હમીરજીનું શૌર્ય આજે પણ ભારતની યુવા પેઢીમાં જીવંત છે.ક. મા. મુનશીએ તેમના પુસ્તક 'સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ' માં જે અસ્મિતાની વાત કરી છે, તે અસ્મિતાનું જીવંત લોહી એટલે વીર હમીરજી ગોહિલ. સોમનાથ મંદિર રાખમાંથી ફરી બેઠું થયું કારણ કે હમીરજી જેવા વીરોએ તેને પોતાના રક્તથી સિંચ્યું હતું. આજે જ્યારે સોમનાથ 'સુવર્ણ યુગ'માં પ્રવેશી રહ્યું છે, ત્યારે વીર હમીરજીની ખાંભી આપણને યાદ અપાવે છે કે આઝાદી અને આસ્થા મફતમાં નથી મળતી, તેના માટે શૌર્ય અને બલિદાનની જરૂર પડે છે.
