સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 માં અમદાવાદનુ પ્રથમ સ્થાન
Live TV
-
અમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ 2024-25 માં દસ લાખથી વધુની વસ્તી ધરાવતી શહેરોની ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ શ્રેણીમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર બનીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત પહેલો અને શહેરીજનોની સક્રિય ભાગીદારી થકી આ સિદ્ધિ શક્ય બની છે.
આ સિદ્ધિ અંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા અંતર્ગત દેશભરના 4500થી વધુ શહેરો માટે સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર લાવવા નાગરિકો સાથે મળીને પ્રયાસો કરવાની પહેલ કરી હતી, જેને અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્રિય અને કુશળ નેતૃત્વ હેઠળ AMC દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી હતી.
અમદાવાદે કચરાના કાર્યક્ષમ વ્યવસ્થાપન, જાહેર શૌચાલયની સુધારણા, સાર્વજનિક સ્થળોએ સ્વચ્છતા જાળવણી અને નાગરિકોની સક્રિય ભાગીદારી જેવા વિવિધ પેરામીટર્સમાં ઉચ્ચ કામગીરી દર્શાવીને સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખ કરતાં વધુની જનસંખ્યાની કેટેગરીમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં નંબર -1 બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વચ્છ સર્વેક્ષણ પ્રક્રિયા અને અમલમાં મુકાયેલ મુખ્ય પહેલ અંગે વાત કરતા કહ્યું કે, સ્વચ્છ સર્વેક્ષણ પ્રક્રિયામાં વર્ષ દરમિયાન કુલ 4 ફેઝમાં અમદાવાદ શહેરની સફાઈ, સેનિટેશન, વેસ્ટ પ્રોસેસિંગ અને RRR (Reduce, Reuse, Recycle) થીમ પર કચરાના વ્યવસ્થાપન માટેના પગલાંઓનું ડોક્યુમેન્ટ સ્વરૂપે અને ફિલ્ડ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કચરામુક્ત શહેરના 7 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ અને જાહેરમાં શૌચની સુવિધાઓ તેમજ ગંદા પાણીના STP પ્લાન્ટ દ્વારા ટ્રીટમેન્ટ સહિતની બાબતોને આવરી લેતું વોટર પ્લસ સર્ટિફિકેટ માટેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. નાગરિકોના પ્રતિભાવ (ફીડબેક) પણ આ સર્વેક્ષણનો મહત્ત્વનો ભાગ હતા.
તેમણે વધુમાં કહ્યું કે, મહાનગર પાલિકા દ્વારા આધુનિક તકનીકોનો પણ અમલ કરવામાં આવ્યો છે. ઇનોવેટિવ પ્રેક્ટિસીસ અને ક્ષમતા નિર્માણ, સ્વચ્છતા સંબંધિત ઇ-મેમો અને એમ-ચલણ તેમજ GPS સિસ્ટમ વડે મોનિટરિંગ જેવી નવીનતમ તકનીકો અને પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓનું કલ્યાણ અને તેમને સુવિધાઓ પૂરી પાડવા પર પણ ધ્યાન અપાયું છે. એટલું જ નહીં, ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ હેઠળ 6000થી વધુ સોસાયટીઓને આવરી લઈ વોર્ડ, ઝોન અને શહેર કક્ષાએ કરેલ સ્પર્ધાત્મક હરીફાઈ પણ અસરકારક નીવડેલ છે.
કચરાનું 100 ટકા દૈનિક ડોર-ટુ-ડોર એકત્રીકરણ કરવમાં આવ્યું છે. 1850થી વધુ વાહનોની ડોર-ટુ-ડોર સિસ્ટમ દ્વારા કચરાનું પાંચ પ્રકારે સેગ્રેગેશન કરી એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક રીતે કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. પિરાણા ડમ્પસાઈટ પર કચરાના બાયો-માઈનિંગ અને કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ સહિતની વિવિધ કામગીરીઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સાથે બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું પણ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે, જમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે. શહેરમાં જાહેર અને કોમ્યુનિટી શૌચાલયોની ઉપલબ્ધતા, તેમની જાળવણી અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે. રહેણાક અને વ્યાપારી વિસ્તારોમાં એકથી વધુ વખત નિયમિત સફાઈ કરવામાં આવે છે.
જળસ્રોતોની સ્વચ્છતામાં સ્ટોર્મ વોટર ડ્રેઇન્સ, નદી અને જળાશયોની સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જાગૃતિ અને નિયંત્રણમાં જાહેરમાં કચરો ફેંકવા પર નિયંત્રણ, 'રેડ સ્પોટ્સ' (થૂંકવાનાં સ્થળો) અને 'યલો સ્પોટ્સ' (ખુલ્લામાં પેશાબનાં સ્થળો)નું નિવારણ કરવા માટે સ્વચ્છતા સ્ક્વોડની અસરકારક અમલવારી કરવામાં આવી છે. ઘન કચરા વ્યવસ્થાપન માટે નાગરિક ભાગીદારી અને જાગૃતિ, તેમજ 'માય સિટી, માય પ્રાઇડ' જેવા જાગૃતિ અભિયાનો અને નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો મહત્ત્વનાં નીવડ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક વિધિઓ અને પૂજામાંથી ઉત્પન્ન થતી નિર્માલ્ય ચીજવસ્તુઓ (જેમ કે ફૂલો, પાન, હાર, વગેરે)નું એકત્રીકરણ કરી જૈવિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે. ટૂંકા સમયમાં જ આ અંગેનો ખાસ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેમાં નિર્માલ્ય ચીજવસ્તુઓને પર્યાવરણને અનુકૂળ રીતે પ્રક્રિયા કરી ખાતરની સાથે-સાથે નાળિયેરના રેસામાંથી બનતી કોકોપીટ અને ફૂલોમાંથી કુદરતી રંગો જેવાં ઉત્પાદનો બનશે.
આ ઉપરાંત શહેરમાં બગીચાઓ, વૃક્ષો અને અન્ય વનસ્પતિમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટના વ્યવસ્થાપન માટે પણ નવો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જે ગાર્ડન વેસ્ટમાંથી પ્રક્રિયા કરીને તેમાંથી બાયો-કોલ બનાવશે. આ પરંપરાગત કોલસાનો પર્યાવરણને અનુકૂળ વિકલ્પ બની રહેશે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે અને પર્યાવરણને ફાયદો થશે.
આ સિદ્ધિને પરિણામે, 17 જુલાઈ, 2025ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર રેન્ક – 1નો સ્વચ્છતા માટેનો એવોર્ડ આપવામાં આવ્યો. રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ શહેરના માનનીય મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેષ ઔરંગાબાદકર તથા ડાયરેક્ટર વિજય એચ.મિસ્ત્રીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રયાસો અને ઝુંબેશો તેમજ જન-જાગૃતિ કાર્યક્રમો અન્વયે નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવીને અમદાવાદને સ્વચ્છતામાં સૌથી અગ્રેસર બનાવ્યું છે.
