'સ્વસ્થ ધરા, ખેત હરા': સોઈલ હેલ્થ કાર્ડથી બદલાઈ ગુજરાતના ખેડૂતોની કાયા
Live TV
-
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષો પહેલાં શરૂ કરવામાં આવેલી 'સોઈલ હેલ્થ કાર્ડ' યોજના આજે રાજ્યના લાખો ખેડૂતો માટે ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તનનું માધ્યમ બની છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિચારથી શરૂ થયેલી આ યોજના આજે દેશભરના ખેડૂતો માટે સમૃદ્ધિનો માર્ગ બની છે.
ભાવનગરના ગારિયાધારના ખેડૂત હિરેન નાકરાણી જેવા અનેક ખેડૂતોએ માટીના પરીક્ષણ પછી ખાતરના આડેધડ વપરાશને તિલાંજલિ આપી છે. સોઈલ હેલ્થ કાર્ડના માર્ગદર્શનથી હિરેનભાઈનો ખેતી ખર્ચ અડધો થયો છે અને ઉત્પાદન 200 મણથી વધીને 281 મણ સુધી પહોંચ્યું છે. તેવી જ રીતે, સુરેન્દ્રનગરના અરુણભાઈ મેણિયાએ જણાવ્યું કે, સેન્દ્રીય ખાતરના ઉપયોગથી જમીનની ભેજસંગ્રહ શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગાંધીનગર સોઈલ ટેસ્ટિંગ લેબના મદદનીશ ખેતી નિયામક પારુલ પરમારના જણાવ્યા અનુસાર, આ કાર્ડમાં જમીનના નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિતના ૧૨ મુખ્ય અને સૂક્ષ્મ તત્વોનું પૃથ્થકરણ કરવામાં આવે છે. આ રિપોર્ટ જમીનનો 'એક્સ-રે' સાબિત થાય છે, જેના આધારે જ ખેડૂતો ખાતરનો સચોટ વપરાશ કરી શકે છે.કૃષિ વિભાગના નિષ્ણાતોના મતે, સચોટ પરિણામ માટે જમીનનું સેમ્પલ લેતી વખતે ખેતરના શેઢા, રસ્તા અને ઝાડના છાંયાથી દૂર રહીને 'ઝિગ-ઝેગ' પદ્ધતિથી 15-20 સે.મી. ઊંડાણથી માટી લેવી જોઈએ. ત્યારબાદ તેનું મિશ્રણ કરીને 500 ગ્રામ માટીનો નમૂનો પ્રયોગશાળામાં મોકલવાથી જમીનની ફળદ્રુપતાનું સાચું માર્ગદર્શન મળે છે.ગુજરાતમાં અત્યાર સુધી 2.23 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. 'સ્વસ્થ ધરા, ખેત હરા'નો જે નારો ગુજરાતમાંથી ગુંજ્યો હતો, તે આજે 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણમાં મહત્વનો પાયો બની રહ્યો છે.
