હવે સાધારણ ટપાલ પણ થશે ટ્રેક, પોસ્ટ વિભાગનું મોટું ડિજિટલ પરિવર્તન
Live TV
-
હવે પોસ્ટ દ્વારા મોકલેલી સાધારણ ટપાલ ગંતવ્ય સ્થાને પહોંચી કે નહીં તેની મૂંઝવણ ભૂતકાળ બની જશે. પોસ્ટ વિભાગે પોતાની સેવાઓને આધુનિક અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી સાધારણ ટપાલ (Ordinary Mail)ને પણ ઓનલાઈન ટ્રેક કરી શકાશે.
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સુવિધાના અમલીકરણથી પોસ્ટલ સેવામાં એક નવો યુગ શરૂ થશે.
શા માટે આ ફેરફાર જરૂરી હતો?
ભારતીય પોસ્ટ વિભાગના વાર્ષિક મેઈલ ટ્રાફિકમાં સાધારણ ટપાલનો હિસ્સો સૌથી મોટો છે, જેની સંખ્યા આશરે 90 કરોડ જેટલી છે. અત્યાર સુધી આ ટપાલોનો કોઈ ડિજિટલ રેકોર્ડ ન હોવાને કારણે તેનું ટ્રેકિંગ અશક્ય હતું. વાર્ષિક ડેટા માત્ર અનુમાનિત અને મેન્યુઅલ ગણતરી પર આધારિત હતો, જેમાં ભૂલોની શક્યતા રહેતી હતી.1. બારકોડ સુવિધા: હવે દરેક સાધારણ ટપાલ પર બારકોડ લગાવવામાં આવશે, જેનાથી APT 2.0 એપ્લિકેશન દ્વારા તેનું ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગ થશે
2. ડિજિટલ ડિલિવરી: પોસ્ટમેન જ્યારે ટપાલની ડિલિવરી કરવા જશે, ત્યારે 'ડાક સેવા' એપ દ્વારા તે અપડેટ કરવામાં આવશે.
3. બલ્ક મેઇલર્સ માટે પ્રોત્સાહન: મોટા પ્રમાણમાં ટપાલ મોકલતા ગ્રાહકોને પણ પોતાની રીતે બારકોડ પ્રિન્ટ કરવા અથવા અગાઉથી લગાવીને આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયા ઝડપી બને.ગ્રાહકોને શું ફાયદો થશે?
આ આધુનિક વ્યવસ્થાથી ટપાલના સમગ્ર પ્રવાહ પર ડિજિટલ દેખરેખ રાખી શકાશે. આનાથી માત્ર પારદર્શિતા જ નહીં વધે, પરંતુ પોસ્ટ વિભાગને પોતાના સંસાધનો અને માનવબળના આયોજનમાં પણ સચોટ ડેટા મળી રહેશે. પરિણામે ગ્રાહકોને વધુ સારી અને ભરોસાપાત્ર પોસ્ટલ સેવાઓ પ્રાપ્ત થશે. પોસ્ટ વિભાગના આ ડિજિટલાઇઝેશનના પગલાને કારણે હવે પત્રો, અખબારો અને સરકારી સૂચનાઓ જેવી સાધારણ ડાક પણ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક તેના ગંતવ્ય સુધી પહોંચશે.
