હાથી, ઘોડા, પાલખી..જય કનૈયા લાલ કી...રાજ્યભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Live TV
-
કોરોનાના લીધે દ્વારકા, શામળાજી, ભાલકા તીર્થ, ડાકોર સહિતના કૃષ્ણમંદિરો ભક્તો વિના સૂના, કૃષ્ણમંદિરો દ્વારા ઓનલાઈનની દર્શનની કરાઈ વ્યવસ્થા
દેશ સહિત રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્યમાં તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સમગ્ર દેશ સહિત રાજ્યમાં ભગવાન કૃષ્ણના જન્મઉત્સવની ઉજવણી થઈ રહી છે. ચાલુ વર્ષે કોરોનાને લીધે જાહેર ઉત્સવ તથા મટકી ફોડ જેવા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. મંદિરોમાં પણ ભક્તોને કૃષ્ણ જન્મોત્સવ જોવા નહીં મળે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા તેમજ જગત મંદિર દ્વારકામાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત જન્માષ્ટમી કાર્યક્રમોમાં ભક્તો ભાગ લઈ શકશે નહીં. એટલે કે મંદિર ભક્તો વગર સૂના હશે. કોરોના મહામારીને લીધે સાવચેતીના પગલારૂપે આ બન્ને જિલ્લાની સીમાને સીલ કરી દેવામાં આવી છે. બહારની કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરોમાં ફક્ત પૂજારી તથા સુરક્ષા કર્મચારીઓ જ જન્મોત્સવની ઉજવણી કરશે. આ સાથે અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં આવેલા ઇસ્કોનના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની સાદાઈથી ઉજવણી કરાશે.જો કે ભાવિકોને ભગવાનના દર્શનનો લાભ મળે તે માટે જીવંત પ્રસારણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશના મંદિરમાં યોજાનારી ઉજવણીના જીવંત પ્રસારણનો લાભ ભક્તો મંદિર ટ્રસ્ટની વેબ સાઈટ www.dwarkadhish.org પરથી મેળવી શકશે. તો દૂરદર્શન દ્વારા જન્માષ્ટમીની ઉજવણીનું સવારથી વિશેષ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેમા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ તેમજ દ્વારકાધીશ મંદિરથી જીવંત પ્રસારણ દર્શાવવામાં આવશે.
