Skip to main content
Settings Settings for Dark

108 સેવાએ 19 વર્ષમાં 1.99 કરોડથી વધુ નાગરિકોને આપાતકાલીન સમયે મદદ પહોંચાડી

Live TV

X
  • 62.97 લાખથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં મદદ પહોંચાડાઈ

    108 સેવા એટલે માત્ર એમ્બ્યુલન્સ નહીં, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા મળતી ‘પ્રિ-હોસ્પિટલ કેર’. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારથી તા. 29 ઓગસ્ટ 2007ના રોજ વાવેલો નાનો છોડ આજે 19 વર્ષ બાદ એક વટવૃક્ષ બની ચૂક્યું છે. ગુજરાતની 108 એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે નાગરિકો માટે આશીર્વાદરૂપ બનેલી ‘108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ’ દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 99 લાખથી પણ વધુ ઈમરજન્સી કેસોને પ્રતિસાદ આપીને રાજ્યના લાખો પરિવાર માટે સાચા અર્થમાં ‘લાઈફલાઈન’ બની છે.

    કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ, ગંભીર બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડવાના ઉદાત્ત હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી હતી. 108 નંબર પર આવતા 99 ટકા જેટલા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો કરતાં પણ શ્રેષ્ઠ સક્ષમતા દર્શાવે છે. સમગ્ર રાજ્યમાં દર 21 સેકન્ડે એક 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી કેસની સારવાર માટે રવાના થાય છે. સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 13:09 મિનિટ છે.

    મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટી માટે 24 કલાક અવિરત સેવા આપવાના હેતુથી અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે 15 એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. સમયનો વ્યય અટકે છે અને ત્વરિત એમ્બ્યુલન્સ રવાના કરી શકાય તે હેતુથી અહીં લોકેશન બેઝ્ડ સર્વિસથી સજ્જ અદ્યતન CAD Applicationના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. આ ઉપરાંત નાગરિકોની સરળતા માટે '108 સીટીઝન મોબાઈલ એપ્લિકેશન' અને ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેસ 108 ઈમરજન્સી સેવા તેમજ એમ-ગવર્નન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    19 વર્ષની સેવાકીય યાત્રાના આંકડાકીય સિદ્ધિઓ

    108 ઈમરજન્સી સેવા દ્વારા ઓગસ્ટ 2026 સુધીમાં કુલ 1 કરોડ 99 લાખ જેટલા કટોકટીના કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે 1 કરોડ 96 લાખ 42 હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી કેસો, 2 લાખ 55 હજારથી વધુ પોલીસ સંબંધી ઈમરજન્સી કેસો અને 8 હજાર 300થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓમાં સમયસર મદદ પહોંચાડવામાં આવી છે. આ સફળ કામગીરી દરમિયાન 19 લાખ 66 હજારથી વધુ ગંભીર સ્થિતિમાં મુકાયેલી મહામૂલી માનવ જિંદગીઓને ઉગારી લેવામાં આવી છે. જ્યારે એમ્બ્યુલન્સ વાહનો દ્વારા 62 કરોડથી પણ વધુ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે.

    માતા અને બાળ સુરક્ષા તેમજ વિવિધ મેડિકલ ઈમરજન્સીમાં યોગદાન

    ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના સરકારી લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો સિંહફાળો રહ્યો છે. 19 વર્ષના સમયગાળા દરમિયાન 62 લાખ 97 હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં કટોકટીના સમયે મદદ પહોંચાડવામાં આવી છે, જેમાં 1 લાખ 64 હજાર 715થી પણ વધુ પ્રસૂતિઓ એમ્બ્યુલન્સના તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે કે રસ્તામાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. આ સિવાય 24 લાખ 18 હજારથી વધુ માર્ગ અકસ્માતના કેસો, 11 લાખ 77 હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને 9 લાખ 87 હજારથી વધુ હૃદયરોગના હુમલા સંબંધી કેસોમાં દર્દીઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી પ્રી-હોસ્પિટલ કેર પૂરી પાડવામાં આવી છે.

    દરિયાઈ બોટ અને એર એમ્બ્યુલન્સ જેવી નવિનતમ પહેલ

    રાજ્ય સરકારે 21 માર્ચ 2022થી GUJSAIL અને GVK EMRIના સંકલનમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત સંકલિત ‘એર એમ્બ્યુલન્સ સેવા’નો પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત દરિયામાં કામ કરતા માછીમારોના આરોગ્ય રક્ષણ માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે વિશેષ 'બોટ એમ્બ્યુલન્સ સેવા' પણ શરૂ કરવામાં આવી છે. દરરોજ સરેરાશ 4,780 જેટલા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ નિઃશુલ્ક સેવા આજે રાજ્યના દરેક છેવાડાના નાગરિક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
apply