Skip to main content
Settings Settings for Dark

30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન "સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન- પખવાડિયા"નું આયોજન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, કોઈપણ રોગ સામેની સૌથી મોટી લડાઈ રોગ સામે નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ભય અને સામાજિક ભેદભાવ સામે હોય છે. તેમના આ માનવીય અને સમાવેશી દૃષ્ટિકોણથી પ્રેરાઈને ગુજરાત સરકાર 30 જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત દિવસ નિમિત્તે રક્તપિત્ત નાબૂદીની દિશામાં જનજાગૃતિને નવી ગતિ આપવા જઈ રહી છે.

    ભારત સરકારની થીમ “Ending Discrimination, Ensuring Dignity” (ભેદભાવનો અંત, ગૌરવ સુનિશ્ચિત કરવો)ને અનુરૂપ ગુજરાતમાં રકતપિત્ત રોગ વિશે જાગૃતિ લાવવા માટે આગામી 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન  "સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન- પખવાડિયા"નું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનનો ઉદ્દેશ રક્તપિત્ત વિશેની ખોટી માન્યતાઓને દૂર કરવાનો અને અસરગ્રસ્ત દર્દીઓ પ્રત્યે આદર, સ્વીકૃતિ અને માનવીય ગૌરવને સુનિશ્ચિત કરવાનો છે. અભિયાન અંતર્ગત રાજ્યભરમાં આયોજિત પ્રવૃત્તિઓ દ્વારા એ સંદેશ આપવામાં આવશે કે રક્તપિત્ત સ્પર્શ દ્વારા, હાથ મિલાવવાથી કે નજીકના સંપર્ક દ્વારા ફેલાતો નથી, અને સમયસર સારવારથી દર્દી સંપૂર્ણ સાજો થઈ શકે છે. 

    ડિસેમ્બર 2025 સુધીના આંકડા અનુસાર, ગુજરાતે રક્તપિત્ત નાબૂદીની દિશામાં નોંધનીય પ્રગતિ કરી છે. હાલ રાજ્યના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર 10,000 વસ્તી દીઠ 1 કરતાં પણ ઓછો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગના સતત પ્રયાસોના પરિણામે વર્ષ 2023-24થી 2025 દરમિયાન કુલ 11,640+ નવા રક્તપિત્તના દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમને સામાન્ય આરોગ્ય સેવાઓ અને વિશેષ ઓળખ ઝુંબેશ દ્વારા વિના મૂલ્યે મલ્ટી-ડ્રગ થેરાપી સાથે જોડવામાં આવ્યા છે. 

    જો વર્ષવાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2023-24 માં 4,323 દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાં 238 બાળરોગીઓ હતા. વર્ષ 2024-25 માં, 171 બાળકો સહિત 4,033 નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025 સુધીમાં આ સંખ્યા ઘટીને 3,288 થઈ ગઈ, જેમાં 126 બાળરોગીઓની ઓળખ કરવામાં આવી હતી. એટલું જ નહીં, રક્તપિત્તનું સમયસર નિદાન અને અસરકારક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન (LCDC) શરૂ કર્યું છે. 2023-24 થી ડિસેમ્બર 2025 સુધી ચાલેલા આ અભિયાન હેઠળ, 3,900 થી વધુ રક્તપિત્તના કેસની ઓળખ કરવામાં આવી હતી, જેનાથી પ્રારંભિક સારવાર શક્ય બની અને વિકૃતિઓ અને અપંગતાના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થયો.

    ગુજરાત સરકારે રક્તપિત્ત નાબૂદી માટે સારવારથી આગળ વધીને ગૌરવ અને પુનર્વસનનું વ્યાપક મૉડલ અપનાવ્યું છે. રાજ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓનું પુનર્વસન અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2023-24માં 25, વર્ષ 2024-25માં 30 અને વર્ષ 2025-26માં ડિસેમ્બર 2025 સુધીમાં 26, એમ કુલ 81 રીકન્સ્ટ્રક્ટિવ સર્જરીઓ કરવામાં આવી છે.આ ઉપરાંત, પગમાં સંવેદનહીનતાથી પીડાતા રક્તપિત્તના દર્દીઓ માટે સલામતી અને ગતિશીલતા સુનિશ્ચિત કરવા માટે 26,120+ માઇક્રોસેલ્યુલર રબરના શૂઝનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, અને ઘાની સમયસર સંભાળ અને ચેપ નિવારણ માટે જરૂરિયાતમંદ દર્દીઓને 8,300+ અલ્સર કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 

    ગુજરાતના આ પ્રેરણાદાયી અને સંવેદનશીલ મૉડલ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહિને પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત સુરેશ સોની દ્વારા સંચાલિત 'સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ'ની મુલાકાત લઈને રક્તપિત્તના દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય અને પુનર્વસનની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ વ્યાપક પ્રયાસો એ દર્શાવે છે કે, ગુજરાત સરકાર રક્તપિત્ત નાબૂદીને માત્ર એક કાર્યક્રમ તરીકે જ નહીં, પણ માનવીય ગૌરવ, સામાજિક સમાવેશ અને સમ્માનપૂર્વક જીવનના અધિકાર સાથે જોડાયેલા એક વ્યાપક અને સંવેદનશીલ અભિયાન તરીકે વેગ આપી રહી છે.

    રક્તપિત્ત એક સંક્રામક પરંતુ સંપૂર્ણપણે સાધ્ય રોગ છે, જે માઇકોબેક્ટેરિયમ લેપ્રસી નામના જીવાણુથી થાય છે અને મુખ્યત્વે ત્વચા અને ચેતાને અસર કરે છે. તે કોઈપણ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓને થઈ શકે છે, પરંતુ સમયસર નિદાન અને નિયમિત મલ્ટી-ડ્રગ ટ્રીટમેન્ટ (MDT) દ્વારા તેનો ફેલાવો અટકાવી શકાય છે, સાથે વિકૃતિ અને અપંગતાને પણ અટકાવી શકાય છે. આ રોગના લક્ષણોમાં ત્વચા પર રંગીન ધબ્બા, સ્પર્શ, દબાણ, દુખાવો, ગરમી અને ઠંડીનો અનુભવ કરવાની ક્ષમતા ગુમાવવી, સ્નાયુઓની નબળાઈ, ન રૂઝાતા ફોલ્લા, ખાસ કરીને હાથ, પગ અને ચહેરામાં વિકૃતિઓ, અને આંખો બંધ કરવામાં અસમર્થતા અને નબળી દ્રષ્ટિનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો પર તેની નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે, જેથી દર્દીઓ કોઈપણ નાણાકીય બોજ વિના સમયસર સારવાર મેળવ્યા પછી સ્વસ્થ જીવન જીવી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply