35મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ: વીરભૂમિ ધ્રોલ ખાતે શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
Live TV
-
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક યુદ્ધભૂમિ ભૂચરમોરી ખાતે દર વર્ષે શીતળા સાતમના પર્વ નિમિત્તે શહીદોની સ્મૃતિમાં વિશેષ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં ૩૫માં શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા સહિતના મહાનુભાવોએ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શૂરવીર જામ અજાજી, તેમના ધર્મપત્ની સુરજબા તેમજ શહીદ વીરોના પાળિયાને વંદન કર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્રના શૌર્ય, આશરા ધર્મ અને સ્વાભિમાનની અમર ગાથાને યાદ કરીને નવી પેઢી સુધી તેના સંસ્કારો પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક વીરભૂમિ પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા પરંપરાગત અશ્વ શો અને તલવારબાજી સ્પર્ધા 2026નું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે નવનિર્મિત યુવા સંઘ સ્મૃતિ હોલનું લોકાર્પણ કરાયું હતું. નોંધનીય છે કે જામરાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા આ શહીદ સ્મારક ટ્રસ્ટને રૂ. 11.51 લાખનું વિશેષ અનુદાન આપવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભૂચરમોરીનું યુદ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં શૌર્ય અને શરણાગતની રક્ષાનું અદ્વિતીય પ્રતીક છે. આ પવિત્ર ભૂમિ આવનારી પેઢીઓને કર્તવ્યનિષ્ઠા અને સ્વાભિમાનની પ્રેરણા આપે છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યુવાનો માટે શિક્ષણ, કૌશલ્ય અને રોજગારીની તકો અંગે વાત કરતા સંસ્કારી તથા વ્યસનમુક્ત યુવા પેઢી ઘડવા આહ્વાન કર્યું હતું.
મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ ભૂચરમોરીને સામાજિક સમરસતાનું પ્રતીક ગણાવતા 'મારી માટી, મારો દેશ' અને 'હર ઘર તિરંગા' જેવા અભિયાનો દ્વારા શહીદોની ગૌરવગાથા ઘર-ઘર સુધી પહોંચાડવાના સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કલેક્ટર પી.બી. પંડ્યા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
