ચોમાસામાં તંદુરસ્તીનો મહામંત્ર: સ્વાદ નહીં સ્વાસ્થ્યને આપો પ્રાધાન્ય
Live TV
-
ચોમાસામાં તંદુરસ્તીનો મહામંત્ર: સ્વાદ નહીં સ્વાસ્થ્યને આપો પ્રાધાન્ય
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન-2026" ની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવીને મેદસ્વિતા અને બિનચેપી રોગોના વધતા જતા જોખમને અટકાવવાનો છે.
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ગરમાગરમ ભજીયા, સમોસા અને તળેલા જંકફૂડ ખાવાનું મન સૌને થાય છે. પરંતુ, આ ઋતુમાં સ્વાદ પાછળ દોડવું સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે.
ચોમાસામાં કેમ ઘટે છે પાચનશક્તિ? આયુર્વેદ અને વિજ્ઞાનનો મત
આયુર્વેદ અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન બંને સ્વીકારે છે કે ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી મનુષ્યના શરીરની પાચનશક્તિ મંદ પડી જાય છે. આ દિવસોમાં ભારે, તીખો અને વધુ પડતો તેલયુક્ત ખોરાક સરળતાથી પચતો નથી. અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઇન્ફેક્શનનું જોખમ બમણું થઈ જાય છે. ન પચેલી કેલરી શરીરમાં ચરબી તરીકે જમા થાય છે, જે છેવટે મેદસ્વિતામાં પરિણમે છે.
ઉપવાસ અને એકટાણાં: ધાર્મિક આસ્થા પાછળ છુપાયેલું આરોગ્યવિજ્ઞાન
ભારતીય સંસ્કૃતિમાં ચોમાસામાં ઉપવાસ, એકટાણાં કે લીલા શાકભાજી ત્યાગવાની પરંપરા છે, જેની પાછળ ઊંડું વિજ્ઞાન છે. મર્યાદિત આહાર લેવાથી પાચનતંત્ર શુદ્ધ થાય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે નિયંત્રિત ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા નુકસાનગ્રસ્ત કોષો આપમેળે દૂર થાય છે અને નવા કોષો બને છે.
ચોમાસા દરમિયાન શું ટાળવું?
ભજીયા, સમોસા, પકોડા, પિઝા કે બર્ગર જેવા જંક ફૂડનું વધુ પડતું સેવન, રસ્તા પર ખુલ્લામાં વેચાતી વસ્તુઓ, વાસી ખોરાક કે અર્ધપાકેલી વાનગીઓ, ફ્રિજનું અતિશય ઠંડુ પાણી, આઈસ્ક્રીમ અને વધુ પડતી ખાંડવાળા સોફ્ટ ડ્રિંક્સ, જમ્યા પછી તરત જ સૂઈ જવાની આદત અને બેઠાડુ જીવનશૈલીને ટાળવી જોઈએ.
તંદુરસ્ત રહેવા માટે શું અપનાવવું?
ચોમાસામાં હળવો, તાજો અને ગરમ ખોરાક લેવાની ટેવ રાખવી. મગ, દાળની ખીચડી, સૂપ, બાફેલી શાકભાજી અને પૌષ્ટિક ઘરેલું ભોજનને પ્રાધાન્ય આપવું. ઉકાળેલું અથવા નવશેકું હૂંફાળું પાણી પીવુ.તાજાં અને સ્વચ્છ રીતે ધોઈને મોસમી ફળોનું સેવન કરવું. વરસાદના દિવસોમાં પણ યોગ, પ્રાણાયામ, ચાલવું અથવા ઇન્ડોર કસરત નિયમિત કરવી.પૂરતી ઊંઘ લવી અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ.
જનઆંદોલન બનશે ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’
"સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત" એ માત્ર કોઈ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ તેને એક જનઆંદોલન બનાવવાનું છે. ચોમાસાના આ દિવસોમાં જીભના સ્વાદ પર સંયમ રાખીને, નિયમિત વ્યાયામ અને શુદ્ધ આહાર પદ્ધતિ અપનાવીને આપણે અને આપણો પરિવાર નિરોગી રહી શકીએ છીએ. ચાલો, આ ચોમાસે તંદુરસ્ત અને ગૌરવશાળી ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ.
