અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામત રીતે પરત લાવવાનો સિલસિલો યથાવત્
Live TV
-
અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામત રીતે પરત લાવવાનો સિલસિલો યથાવત્ છે. આજે વધુ ભારતીયો સહિત 146 નાગરિકોને ભારત લવાશે. જ્યારે ગઇકાલે ભારતીય વાયુસેનાનું સી- સેવન્ટીન ગ્લોબ માસ્ટર કાબુલથી 168 લોકોને લઇને ગાઝિયાબાદના હિંડન એરબેસ આવી પહોચ્યું હતું. વાયુસેનાના આ વિમાન દ્વારા 107 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આ અગાઉ બે કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા ભારતીયો તેમજ અન્ય દેશના નાગરિકોને લઇને ભારત પરત ફર્યા છે. જેમાં ઇન્ડીગોની ફ્લાઇટ લગભગ 100થી વધુ ભારતીયોને લઇને સવારે પાંચ વાગે પરત ફરી છે. જ્યારે એરઇન્ડિયાની ફ્લાઇટ 87 ભારતીયોને લઇને તજાકીસ્તાનના દુષાન્વે થઇને નવી દિલ્હી પરત ફરી છે. આ વિમાન દ્વારા બે નેપાળી નાગરિકો પણ પરત ફર્યા છે. આ રીતે ભારતીયોને સલામત પાછા લાવવાનું અભિયાન સતત ચાલુ જ છે. તે દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલીબાની કબજા બાદ બગડેલી હાલત ઝડપથી બદલાઇ રહી છે. જ્યાં તાલીબાની લડાકુની આતંકી તસવીર દુનિયાભરમાં ડરનું કારણ બની છે, ત્યારે નવી સરકાર માટે બેઠકો ચાલી રહી છે. તાલીબાન કાબુલમાં પોતાની સ્થિતિ મજબુત કરી રહ્યું છે. તાલીબાનના સંસ્થાપક મુલ્લા બરાદર, પૂર્વ સરકારી નેતાઓ અને ધાર્મિક નેતાઓ સાથે વાતચીત માટે અફઘાનિસ્તાનની રાજધાની પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ અને અબ્દુલ્લા કાબુલની સુરક્ષા સ્થિતિ પર કાબુલના ગવર્નર સાથે ચર્ચા કરી હતી. ત્યારે ઘણા વિસ્તારોમાં તાલીબાનો સામેનો વિરોધ ઉગ્ર બન્યો છે. તો બીજી તરફ ભારત દ્વારા નાગરિકોને પરત લાવવાનૂ કામગીરી સંદર્ભમાં વિદેશ મંત્રી 26મી તારીખે વિપક્ષના નેતાઓને માહિતી આપશે.
