ઈરાન અને ઓમાન વચ્ચે નવા દરિયાઈ માર્ગો અંગે કરાર, ગલ્ફ દેશોની બેઠકમાં લેવાશે નિર્ણય
Live TV
-
ઈરાનના અધિકારીઓએ માહિતી આપી છે કે ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મોઝ સ્ટ્રેટ માટે નવા પ્રવેશ અને નિકાસ માર્ગોની રૂપરેખા પર સંમતિ સધાઈ છે. બંને દેશો સોમવારે મસ્કટ ખાતે યોજાનારી પ્રાદેશિક બેઠકમાં ગલ્ફ દેશોને આ વાટાઘાટોના પરિણામો વિશે માહિતગાર કરશે.
અર્ધ-સરકારી સમાચાર સંસ્થા તસ્નીમના અહેવાલ મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે લાંબા સમય સુધી ચાલેલી તકનીકી અને રાજદ્વારી વાટાઘાટો બાદ આ કરાર થયો છે. ઓગસ્ટના અંતમાં બંને પક્ષો વચ્ચે અંતિમ સંમતિ બની હતી. નવા કરાર હેઠળ ગલ્ફ ક્ષેત્રમાં પ્રવેશવાનો માર્ગ સંપૂર્ણપણે ઈરાનની પ્રાદેશિક દરિયાઈ સીમાની અંદર રહેશે, જ્યારે નિકાસ માર્ગનો એક ભાગ પણ ઈરાની જળસીમામાં આવશે.
દક્ષિણ માર્ગ બંધ કરવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો માર્ગ ઈરાન દ્વારા નક્કી કરવામાં આવેલી વ્યવસ્થાઓ હેઠળ સંચાલિત થશે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ જળમાર્ગના દક્ષિણ માર્ગને બંધ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા આ દક્ષિણ માર્ગ ખુલ્લો રાખવા પર ભાર મૂકી રહ્યું હતું.સૂત્રએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કરારનો અર્થ એ નથી કે હોર્મોઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલી દેવામાં આવશે. જળમાર્ગને ફરીથી ખોલવા માટે ઈરાને 7 શરતો મૂકી છે, જે અમેરિકાને જણાવી દેવામાં આવી છે. જ્યાં સુધી આ શરતોનો અમલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જળમાર્ગ બંધ જ રહેશે અને તેને ફરીથી ખોલવાનો નિર્ણય સંપૂર્ણપણે અમેરિકાના વલણ પર નિર્ભર રહેશે.
સોમવારે ઓમાનમાં મહત્વની બેઠક
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ જણાવ્યું કે ગલ્ફના કાંઠાના દેશોના વિદેશ મંત્રીઓની બેઠક સોમવારે ઓમાનમાં યોજાવાની છે. આ બેઠકમાં હોર્મોઝ સ્ટ્રેટમાં સુરક્ષિત દરિયાઈ માર્ગ નક્કી કરવા અંગે ઈરાન અને ઓમાન વચ્ચે થયેલી વાતચીત સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે.શનિવારે મીડિયા સાથે વાત કરતા બાઘેઈએ આશા વ્યક્ત કરી હતી કે આ બેઠકમાં ગલ્ફ દેશોના વિદેશ મંત્રીઓ ઉપરાંત ઈરાન અને ઈરાકના વિદેશ મંત્રીઓ પણ હાજર રહેશે. તેમણે ઉમેર્યું કે, ઈરાન અને ઓમાન આ જળડમરુમધ્યના બંને કાંઠે આવેલા દેશો હોવાથી તેમણે આ વાટાઘાટો કરી હતી અને બંને દેશોએ એક અસ્થાયી સંયુક્ત નેવિગેશન કોરિડોર બનાવવાની તબક્કાવાર યોજના પર વિચારણા કરી છે.
