ટ્વિટર ભાગીદારી વિવાદ: એલોન મસ્ક 1.5 મિલિયન ડોલરનો દંડ ભરશે
Live TV
-
ટ્વિટરમાં હિસ્સેદારી ખરીદવા અંગેના 2022ના એક જૂના વિવાદમાં ટેક્નોલોજી દિગ્ગજ એલોન મસ્ક યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ને 1.5 મિલિયન ડોલરનો દંડ ચૂકવવા સંમત થયા છે. યુએસ SECએ મસ્ક પર આરોપ લગાવ્યો હતો કે, 2022માં તેમણે ટ્વિટરના અન્ય શેરધારકોને જાણ કર્યા વિના કંપનીમાં પોતાની હિસ્સેદારી વધારી હતી. અહેવાલો મુજબ, આ દંડ મસ્ક દ્વારા રચાયેલ એક ટ્રસ્ટ દ્વારા SECને ચૂકવવામાં આવશે જેથી આ કાનૂની કાર્યવાહીનો અંત આવે. જોકે, આ સમાધાનને હજુ કોર્ટની મંજૂરી મળવાની બાકી છે અને મસ્કે આક્ષેપો સ્વીકાર્યા નથી.
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, આ રકમ SEC દ્વારા અગાઉ માંગવામાં આવેલા દંડ કરતા ઘણી ઓછી છે. ડિસેમ્બર 2024 માં, SECએ મસ્ક પાસેથી 200 મિલિયન ડોલરથી વધુના દંડની માગ કરી હતી.
જાન્યુઆરી 2025 માં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પદભાર સંભાળતા પહેલા, SEC એ મસ્ક સામે દાવો માંડ્યો હતો. આરોપ હતો કે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 5% થી વધુ શેર એકઠા કરવાની માહિતી આપવાની સમયમર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. નિયમનકારના જણાવ્યા અનુસાર, આ વિલંબને કારણે ટ્વિટરના શેરધારકોને 150 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું. નોંધનીય છે કે, મસ્કે વર્ષ 2022 માં જ ટ્વિટર ખરીદી લીધું હતું અને તેનું નામ બદલીને 'X' કરી દીધું હતું.
SECના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો આ સમજૂતી અંતિમ બનશે, તો તે માલિકી અહેવાલ સમયસર ફાઈલ ન કરવા બદલ કોઈ વ્યક્તિ કે સંસ્થા પર લાદવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ હશે. જોકે, મસ્કના વકીલે તેને 'મામૂલી દંડ' ગણાવ્યો છે.
મસ્કના વકીલ એલેક્સ સ્પિરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે શરૂઆતથી જ કહ્યું હતું તેમ, મસ્કને ટ્વિટર અધિગ્રહણ સંબંધિત ફોર્મ મોડું ફાઈલ કરવાના તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. માત્ર એક ટ્રસ્ટ સંસ્થાએ ફાઈલિંગમાં વિલંબ બદલ મામૂલી દંડ ચૂકવવાની સહમતી દર્શાવી છે."
